અમદાવાદમાં ગુનો ન નોંધવા બદલ લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે ઝડપાયા
અમદાવાદ, ગુજરાતને કરપ્શન-ફ્રી રાજ્ય તરીકે પ્રમોટ કરવામાં આવે છે પરંતુ છાશવારે નાના-મોટા અધિકારીઓ લાંચ માટે મોઢૂ ખોલતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. તંત્રની નજર હેઠળ જ રહેમ રાહે ખુલ્લેઆમ લાંચ લેવાય અને લાંચ લેવા દેવાય છે.
ત્યારે આવી એક ઘટના અમદાવાદના નાણપુરામાં બની હતી. નારણપુરા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ અને એક ખાનગી વ્યક્તિ લાંચ લેતા એસીબીના છટકામાં ફસાયા હતા.
દારૂની બે પેટી ભરીને જતી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નહિ નોંધવા માટે આ બે વ્યક્તિઓએ લાંચ માંગી હતી. એસીબીના અનુસાર આ બંને વ્યક્તિઓએ ગુન્હો ન નોંધવા બદલ ૨,૨૫,૦૦૦ની લાંચની માગણી કરી હતી. એસીબીએ ગોઠવેલ ટ્રેપ દરમ્યાન રૂપિયા ૧ લાખ લેતા પોલીસ કર્મી અને ખાનગી વ્યક્તિ રંગેહાથે પકડાઈ ગયા હતા.
ફરિયાદ અનુસાર બે પેટી દારૂ ભરેલ પાર્સલ એક કાકા રિક્ષામાં લઇને જતા હતા ત્યારે શાસ્ત્રીનગર ખાતે પોલીસ કર્મચારીઓએ રિક્ષા રોકીને તેમની પુછપરછ કરીને રિક્ષાને ફૂટબોલ ગ્રાઉન્ડ, શાસ્ત્રીનગરમાં મુકાવી હતી. આ સંદર્ભે કેસ ન કરવા માટે આરોપીએ ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.