અમદાવાદમાં ગુનાખોરી વધીઃ એક જ મહિનામાં હત્યાના 12 થી વધુ બનાવ
સરસપુરમાં સમાધાન માટે ગયેલા યુવકની ઘાતકી હત્યા
(એજન્સી)અમદાવાદ, શહેરમાં છેલ્લા એક મહિનામાં એક ડઝનથી વધુ હત્યાના બનાવો બનતા પોલીસ સ્ટેશનમાં આવી ગઈ છે. ગુનાખોરીનો ગ્રાફ એકદમ વધી ગયો છે જેને કંટ્રોલ કરવા માટે પોલીસ તમામ પ્રત્યનો કરી રહી છે પરંતુ ક્યાંકને ક્યાંક ચૂક રહી જતાં શહેરના રસ્તા રક્તરંજિત થાય છે. બે દિવસ પહેલાં સરદારનગરમાં થયેલી હત્યાની શાહી હજુ સૂકાઈ નથી
ત્યારે ગઈકાલે સમી સાંજે શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સરસપુરમાં એક યુવકની ઘાતકી હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. પિતા અને બે પુત્રોએ ભેગા મળીને યુવકનું ઢીમ ઢાળી દીધું છે. મૃતક યુવક તેના સહકર્મી સાથે બબાલનું સમાધાન કરવા માટે ગયો હતો જ્યાં મામલો બીચક્યો હતો.
કૃષ્ણનગરમાં આવેલી પાશ્વનાર્થ ટાઉનશીપમાં રહેતા પ૮ વર્ષીય કુંદનબહેન સપકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પૂનમ પટણી, રાજ ઉર્ફે છોટુ પટણી અને જનક પટણી વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. કુંદનબહેનના સૌથી નાના દિકરા ભાવેશની ગઈકાલે ધોળા દિવસે ઘાતકી હત્યા કરવામાં આવી છે. ગઈકાલે કુંદનબહેન પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમનો ભત્રીજો વરૂણ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, ભાવેશને ઈજા થઈ છે અને તેને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પુત્રને ઈજાની વાત સાંભળતાં કુંદનબહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે તરત જ વરૂણ સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ ભાવેશના સાહેબ ભાવેશ પંજાબી મળ્યા હતા જ્યાં તે તેમને પાંચમાં માળે લઈ ગયા હતા. પાંચમાં માળે કુંદનબહેન, વરૂણ તેમજ ભાવેશ પંજાબી પહોંચ્યા ત્યારે સ્ટ્રેચર પર ભાવેશને સૂવાડ્યો હતો અને તેના મોઢાં પર સફેદ કપડું ઢાંકયું હતું. કુંદનબહેન નજીક ગયા અને ભાવેશને ઉઠાડવાની કોશિશ કરી ત્યારે હાજર લોકોએ તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
ભાવેશ પંજાબીએ કુંદનબહેનને જણાવ્યું હતું કે, તેમની કંપનીમાં કામ કરતાં કમલેશભાઈના ભત્રીજા સુમિતનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે જજ સાહેબની ચાલીમાં રહેતા પૂનમ પટણી, રાજ ઉર્ફે છોટુ તેમજ જનક સાથે ઝઘડો થયો છે. સુમિતના ઝઘડાનું સાંભળીને કમલેશભાઈ, ભાવેશ અને ધર્મપાલ જજસાહેબની ચાલીમાં આવેલા વખાપુરાના છાપરામાં ગયા હતા.
કમલેશભાઈએ આ મામલે રાજ, પૂનમ તેમજ જનકને ઝઘડો કેમ કરો છો ? તેમ કહી ઠપકો આપ્યો હતો. કમલેશભાઈનો ઠપકો સાંભળીને ત્રણેય જણા ઉશ્કેરાયા હતા અને બબાલ કરવાનું શરૂ કરી દીધું હતું. પિતા-પુત્રો ભાવેશ, ધર્મપાલ અને કમલેશભાઈને ગાળો આપવા લાગ્યા હતા અને હુમલો કરી દીધો હતો. રાજ ઉર્ફે છોટુએ તેની પાસે રહેલી છરી કાઢી હતી અને ભાવેના પેટમાં મારી દીધી હતી. ભાવેશને છરીના ઘા વાગતાં તે જમીન પર લોહીથી લથપથ હાલતમાં ઢળી પડયો હતો.
પૂનમ પટણીએ તેના હાથમાં રહેલું કડું કમલેશભાઈના માથામાં મારી દીધું હતું. ભાવેશ અને કમલેશભાઈ પર હુમલો થતાં ધર્મપાલ બન્નેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો.
હોસ્પિટલમાં ભાવેશની સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ શહેર કોટડા પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ભાવેશની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. જ્યારે કુંદનબહેનની ફરિયાદના આધારે પિતા અને બે પુત્રો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. હત્યા બાદ માહોલ તંગ થાય નહીં તે માટે પોલીસે જજ સાહેબની ચાલી પાસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.