અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ બાઈક ચોરની ધરપકડ કરી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ બાઈક ચોરની ધરપકડ કરી છે પોલીસની પૂછપરછ માં બાઈક ચોરીનું જે કારણ સામે આવ્યું તે સાંભળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. રીલ્સ બનાવીને યુવતીઓને પ્રભાવિત કરી શકે એ માટે થઈને તેઓ મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતા હતા. ચોરી કરેલા બાઈકને રીલ્સ બનાવ્યા બાદ તેઓ બિનવારસી છોડી દેતા હતા.
સામાન્ય રીતે કોઈ પણ ચોર પોતાની જરૂરિયાત સંતોષવા અથવા મોજ શોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડતો હોય છે. અલગ અલગ વસ્તુઓ કે રોકડ કે પછી સોના ચાંદીની ચોરીઓ કરતો હોય છે, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા ત્રણ બાઇક ચોર સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના શોખીન હતા. આ રીલ્સ થતી તે યુવતીઓને પ્રભાવિત કરી શકે તેના માટે મોંઘી બાઈક તેમજ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતા હતા.
આ ચોર ચોરી કરેલી બાઈક પર રીલ્સ બનાવતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાડજ પાસેથી પુખરાજ રાવત, જીતેન્દ્રસિંહ રાવત અને ધર્મેન્દ્ર રાવત નામના ત્રણ બાઈક ચોરોની ધરપકડ કરી છે. આ ત્રણેય બાઇક ચોર પાસેથી બે અલગ અલગ કે.ટી.એમ ૨૦૦ અને રોયલ એનફીલ્ડ ક્લાસિક બાઈક પણ મળી આવ્યા છે.
જોકે આ બાઈક ચોર ગેંગનો હજી એક આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસે ત્રણેય બાઈક ચોરોની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ બંને બાઇકો ચાંદખેડા વિસ્તારમાંથી ચોરી કરી હતી. પોતાના રિલ્સ બનાવવાના શોખને પૂરા કરવા માટે આ મોંઘી બાઈકોની ચોરીઓ કરી હતી.
પોલીસની તપાસમાં પણ સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવતા હતા. રીલ્સ થકી તે યુવતીઓને પ્રભાવિત કરવા માટે અલગ-અલગ બાઇકો ચોરી કરી તે બાઈક પર રીલ્સ બનાવતા હતા. રિલસ બનાવ્યા બાદ ચોરી કરેલું બાઈક ગમે ત્યાં મૂકી દેતા હતા. આમ બાઈક ચોર ટોળકી મોંઘાદાટ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી હતી અને બાદમાં રીલ્સનું કામ પતી જાય એટલે તેઓ બાઈકને બિનવારસી જ છોડી દેતા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને એક ફરાર આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.