જુલાઈ ૨૦૨૨માં અમદાવાદના વેપારીનું સીમ બદલી 2.29 કરોડની ઠગાઈ કરનાર ઝડપાયો
૨.૨૯ કરોડના સીમ સ્વેપિંગના ગુનામાં આરોપીની ધરપકડ-વેપારીએ ૨.૨૯ કરોડની ચીટીંગ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી હતી
(એજન્સી)અમદાવાદ, સાયબર ક્રાઈમે કાર્તિક સિંઘ નામના આરોપીની ૨.૨૯ કરોડના સીમ સ્વેપિંગના ગુનામાં એકાઉન્ટ પૂરું પાડવામાં ધરપકડ કરી છે. આરોપી કાર્તિક સિંઘે અગાઉ આ ગુનામાં પકડાયેલ સૌરભ યાદવ પાસેથી આઈસીઆઈસીઆઈ બેંકનું એકાઉન્ટ મેળવ્યુ હતુ.
જે એકાઉન્ટમાં કાર્તિકનું મકાન વેચવાના રૂપિયા જમા થશે તેમ જણાવીને આ કેસમાં ફરાર સોનુ તથા ગેંગસ્ટર રાજન પાશી સાથે મળીને સીમ સ્વેપિંગના ગુનાના ૩૦ લાખ રૂપિયા આ ખાતામાં જમા કરાવ્યા હતા. જેથી સાયબર ક્રાઈમે ગોવાથી સૌરભ યાદવની ધરપકડ કર્યા બાદ કાર્તિક સિંઘને પણ ઝડપી પાડયો છે. જેની તપાસમાં ઉત્તર પ્રદેશની જેલમાંથી આખું કાવતરું રચાયું હોવાનો ખુલાસો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૬ જુલાઈ ૨૦૨૨ના રોજ અમદાવાદના વેપારીએ પોતાનું સીમ સ્વેપ કર્યા બાદ ૨.૨૯ કરોડની ચીટીંગ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી હતી. જેની તપાસ કરતા છેતરપિંડીની રકમના ૩૦ લાખ રૂપિયા આઝમગઢની ICICI બેંકમાં જમા થયા હતા.
જે એકાઉન્ટની તપાસ કરતા સાયબર ક્રાઈમ સૌરભ યાદવ અને કાર્તિક સિંઘ સુધી પહોંચી, પરંતુ તે બંનેની તપાસમાં ગેંગસ્ટર રાજન પાશીનું નામ સામે આવ્યું, જેથી સાયબર ક્રાઈમની તપાસનો દોર ગેંગસ્ટર સુધી પહોંચ્યો છે.
શાર્પ શૂટર રાજન પાશી વિરુદ્ધ અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, અપહરણ સહિતના ગંભીર ૨૬ જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. ત્યારે ચાઈનાથી ઓપરેટ થતા સાયબર ક્રાઈમના ગુનામાં તેની સંડોવણી હોવાનું નામ ખુલતા ગેંગસ્ટર રાજન દેશ છોડી ફરાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને આરોપી સૌરભ અને કાર્તિક વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશની એક જ જેલમાં સજા ભોગવી રહ્યા હતા
સાયબર ક્રાઈમની તપાસમાં એ હકીકત સામે આવી કે ગુનામાં પકડાયેલ બંને આરોપી સૌરભ અને કાર્તિક વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશની એક જ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. તે સમયે બંને વચ્ચે થયેલી મિત્રતા બાદ તેઓ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયા છે. જોકે કુખ્યાત ગેંગસ્ટરની આવા ગુનામાં અચાનક એન્ટ્રી થતાં સાયબર ક્રાઈમએ ઉત્તર પ્રદેશ એસટીએફ સહિત અન્ય રાજ્યોની પોલીસ સાથે કેન્દ્રીય એજન્સીઓને વિગત મોકલી છે. જેથી આવા ગુનાઓ અટકાવી શકાય.