Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યુએ વધુ એક બાળકીનો ભોગ લીધોઃ કુલ ત્રણ મૃત્યુ

ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૬૮૮ કેસ અને બે મૃત્યુ કન્ફર્મ થયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, કમળો અને કોલેરા જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. મ્યુનિ. હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના દૈનિક સરેરાશ રપ જેટલા કેસ કન્ફર્મ થઈ રહયા છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યૂએ ત્રણ નાની બાળકીઓનો પણ ભોગ લીધો છે.

સોમવારે બહેરામપુરાની ચાર વર્ષની બાળકીનું એલ.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું છે. જેના કારણે મ્યુનિ. આરોગ્ય વિભાગ દોડતુ થયું છે તથા કન્સ્ટ્રકશન સાઈટ અને ડોર ટુ ડોર સર્વે કરી સીલીંગ અને પેનલ્ટીની વસુલાત કરી રહયું છે. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન કોલેરાએ પણ છેલ્લા દોઢ બે દાયકાનો રેકોર્ડ બ્રેક કર્યો છે.

સ્માર્ટ સીટી અમદાવાદના નાગરિકો પર ડેન્ગ્યૂ, કમળા અને કોલેરાના રોગચાળાએ ત્રિપાંખિયો હુમલો કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં જ ડેન્ગ્યૂના ૬૮૮ કેસ નોંધાયા છે. જયારે બહેરામપુરા, વાસણા અને વસ્ત્રાલની રહીશ ત્રણ બાળકીઓના કરૂણ મૃત્યુ પણ ડેન્ગ્યૂના કારણે થયા છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના ૧૧૦૮ કેસ નોંધાયા છે. ર૦ર૩ના સમગ્ર વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના રપર૪ કેસ નોંધાયા હતાં.

ડેન્ગ્યૂની સાથે સાથે ચીકનગુનિયાના કેસોમાં પણ સતત વધારો થઈ રહયો છે. ચાલુ વર્ષ દરમિયાન ચીકનગુનિયાના ૭૧ કેસ નોંધાયા છે. જે પૈકી પ૮ કેસ માત્ર ઓગસ્ટ મહિનામાં જ કન્ફર્મ થયા છે. જેની સામે ર૦ર૩ના સમગ્ર વર્ષ દરમિયાન ચીકનગુનિયાના પ૪ કેસ નોંધાયા હતાં. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિ. મેલેરિયા વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે

જેના ભાગરૂપે સોમવારે ૪૮પ એકમો ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી ર૯પ એકમોને નોટિસ આપી રૂ.૪ લાખ ૧૯ હજાર વહીવટી ચાર્જની વસુલાત કરી હતી તેમજ મચ્છરના બ્રીડીંગ મોટી માત્રામાં મળી આવતા વટવાની દેવમાણેક અને નિકોલની કેવડિયા ઈન્ફ્રા. સાઈટ સીલ કરવામાં આવી છે. જયારે ગોતાની વેસ્ટકોર્સ પાસેથી રૂ.૪૧ હજાર દંડ વસુલ કરવામાં આવ્યો છે.

શહેરમાં કોલેરાના રોગચાળાએ માઝા મુકી છે તેમજ છેલ્લા બે દાયકામાં કોલેરાના સૌથી વધુ કેસ ર૦ર૪માં કન્ફર્મ થયા છે. ચાલુ વર્ષ દરમિયાન ૩૧ ઓગસ્ટ સુધી કોલેરાના ૧૯૪ કેસ નોંધાયા છે.

શહેરના રામોલ-હાથીજણ વિસ્તારમાં કોલેરાના ૧૭, અમરાઈવાડી-ર૬, લાંભા-ર૧, વટવા-ર૦, ઈન્દ્રપુરી-૧૬, દાણીલીમડા-૧પ અને બહેરામપુરા-૧૩ કેસ નોંધાયા છે. શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧૦૧ અને પૂર્વ ઝોનમાં ૬૩ કેસ કોલેરાના કન્ફર્મ થયા છે. તેવી જ રીતે ચાલુ વર્ષ દરમિયાન કમળાના ૧૮૭૭ કેસ કન્ફર્મ થયા છે. ઓગસ્ટ મહિનામાં કમળાના પ૩૮ કેસ નોંધાયા છે. જયારે ઝાડા-ઉલટીના ૭પ૧ અને ટાઈફોઈડના ૭૮૮ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.