અમદાવાદના વેપારીઓને નજીકમાં કાર્ગો ટર્મિનલની સુવિધા મળી રહે તે માટે DFCની ટર્મિનલ બનાવવાની યોજના
સાણંદ, ટીંબા, ઘુમાસણ ખાતે કાર્ગો ટર્મિનલ બનાવવા વેપારીઓને ડીએફસીની ઓફર-પશ્ચિમી DFC ( ડેડીકેટેડ ફેટ કોરીડોર) પર રોજની ૩૦૦ જેટલી ગુડ્સ ટ્રેનોનું સંચાલન થાય છે
અમદાવાદ, પશ્ચિમી ડેડીકેટેડ ફેટ કોરીડોરમાં ગુડ્સ ટ્રેનોની સંખ્યા વધારવાની સાથે વેપારીઓને આ રૂટથી થનાર ફાયદા અંગે માહિતી મળી રહે તે માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો સાથે ડીએફસીના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
જેમાં વેપારીઓને સરળતાથી માલ સામાનની હેરાફેરી કરવા માટે પરિવહન સુવિધા મળી રહે તે માટે ડીએફસી દ્વારા ચલાવવામાં આવી રહેલી રેગ્યુલર ગુડ્સ ટ્રેન ઉપરાંત ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન, ટ્રક ઓન ટ્રેન જેવી સુવિધાઓની માહિતી વેપારીઓને આપવામાં આવી હતી
તેની સાથે જ અમદાવાદના વેપારીઓને નજીકમાં કાર્ગો ટર્મિનલની સુવિધા મળી રહે તે માટે સાણંદ, ટીંબા (ચાંગોદર નજીક) તેમજ ઘુમાસણ ખાતે ગતિશક્તિ પ્રોજેકટ હેઠળ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવા માટે ડીએફસી દ્વારા વેપારીઓને ઓફર આપવામાં આવી હતી. જેમાં ડીએફસીએ વેપારીઓને જમીન ઉપલબ્ધ કરાવવા આશ્વાસન આપ્યું હતું.
પશ્ચિમી ડીએફસીના અમદાવાદ ડિવિઝનના અધિકારીએ ઉપરોકત માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદના વેપારીઓને કાર્ગો સુવિધા મળી રહે તે માટે ડીએફસી દ્વારા જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જયાં વેપારીઓ કે સંસ્થાને ૧પ વર્ષથી લઈ ૩પ વર્ષ સુધીની સમય મર્યાદા માટે કોન્ટ્રાકટ ધોરણે ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવાનું રહેશે. આ ટર્મિનલ તૈયાર થયા બાદ ત્યાંથી ગુડસ ટ્રેનોનું લોડિંગ કે અનલોડિંગ કરવામાં આવશે. તેની સાથે જ ટ્રાન્સપોર્ટરોના લોડેડ ટ્રકોને પણ ત્યાંથી ટ્રેન પર લોડ કરી જે તે શહેરમાં મોકલી આપવામાં આવશે.