Western Times News

Gujarati News

110 કિ.મીનો એક્સપ્રેસ વે તૈયાર થતાં અમદાવાદથી ધોલેરા માત્ર 50 મિનિટમાં પહોંચી જવાશે

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી જૂન૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરાશે: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી‘ ખાતે અત્યાર સુધીમાં રૂ. ૩૫,૯૮૪ કરોડથી વધુનું રોકાણ થયું: ઉદ્યોગ મંત્રી 

અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. ૩૫,૯૮૪.૫૮ કરોડનું રોકાણ પણ મળ્યું છે.

મંત્રીશ્રી રાજપૂતે જણાવ્યું કે આગામી જૂન, ૨૦૨૫ સુધીમાં ૧૧૦ કિમીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેનાથી અમદાવાદથી ધોલેરા માત્ર ૫૦ મિનિટમાં પહોંચી શકાશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ, ૨૦૦૯ હેઠળ તા. ૨૨ મે, ૨૦૦૯ના રોજ ધોલેરા SIR જાહેર કરવામાં આવ્યો છે. ધોલેરા SIRમાં ૨૨ ગામોનો સમાવેશ થાય છે. જેનું કુલ કાર્યક્ષેત્ર ૯૨૦ ચો.કિ.મી. છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના અમલીકરણ માટે છ ડ્રાફ્ટ નગરરચનાઓને ૨૭ પ્રાંરભિક નગરરચનાઓમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાંથી ૧૧ પ્રાંરભિક નગરરચનાઓની કાર્યવાહી પ્રગતિમાં છે.

આ નગરરચના અંતર્ગત, મૂળખંડના ૫૦ ટકા જમીન આંતરમાળખાકીય અને સામાજિક સુવિધાના વિકાસ માટે વપરાય છે. બાકીની ૫૦ ટકા જમીન, મૂળ જમીનધારકને ‘ફાઇનલ પ્લોટ’ સ્વરૂપે પાછી મળે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના પ્રોજેકટને નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ ઇ.પી.સી. મોડ પર લેવામાં આવ્યો છે. જેના અમલીકરણની કાર્યવાહી પ્રગતિમાં અને કેટલાંક કામ વર્ષ ૨૦૨૫માં પૂર્ણ થશે.

આ જ પ્રકારે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એરપોર્ટ ઑથોરિટી દ્વારા સાઇટ ડેવલપમેન્ટ, રનવે, ટેક્ષીવે અને અન્ય સુવિધાના નિર્માણનું ટેન્ડર જાહેર કર્યું છે. તદુપરાંત , ટર્મિનલ બિલ્ડિંગ અને એ.ટી.સી.ના બિલ્ડિંગ નિર્માણને લગતી કાર્યવાહી પ્રગતિમાં છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.