અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ
અમદાવાદ શહેરની એલ.ડી કોલેજ, ગવર્મેન્ટ પોલીટેક્નિક, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થશે-મતગણતરી કેન્દ્રમાં ત્રિસ્તરીય ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો માટે તા.૮મી ડિસેમ્બરના રોજ એલ.ડી. કોલેજ, ગવર્મેન્ટ પોલીટેક્નિક, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેરની એલ.ડી. કોલેજ ખાતે ૮, ગવર્મેન્ટ પોલીટેક્નિક ખાતે ૬ અને ગુજરાત કોલેજ ખાતે ૭ બેઠકોની મતગણના થશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ધવલ પટેલે જણાવ્યું હતું કે, “ગણતરી દરમિયાન દરેક કેન્દ્ર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં CAPF, SRP અને સ્થાનિક પોલીસ તૈનાત રહેશે.”
અમદાવાદની કુલ ૨૧ વિધાનસભા બેઠકો માટે મતગણતરી માટે કુલ ૩ પરિસર પસંદ કરવામાં આવ્યા છે. જેમાં,
• ગવર્મેન્ટ પોલિટેકનિક- આંબાવાડી ખાતે ૩૯-વિરમગામ, ૪૦-સાણંદ, ૪૬-નિકોલ, ૫૭-દસક્રોઈ, ૫૮-ધોળકા, ૫૯-ધંધુકા એમ ૬ વિધાનસભા મતવિસ્તાર
• ગુજરાત કોમર્સ કોલેજ, એલિસબ્રીજ ખાતે ૪૭-નરોડા, ૪૮-ઠક્કરબાપાનગર, ૪૯-બાપુનગર, ૫૧-દરિયાપુર, ૫૨-જમાલપુર ખાડિયા, ૫૪-દાણીલીમડા, ૫૬-અસારવા એમ ૭ વિધાનસભા મતવિસ્તાર
• એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે ૪૧-ઘાટલોડિયા, ૪૨-વેજલપુર, ૪૩-વટવા, ૪૪-એલિસબ્રિજ, ૪૫-નારણપુરા, ૫૦-અમરાઈવાડી, ૫૩-મણિનગર, ૫૫-સાબરમતી એમ ૮ વિધાનસભા મતવિસ્તારની મતગણતરી થશે.
ત્રણેય કેન્દ્ર પર આજે જિલ્લા ચૂંટણી અધિકારી, શહેર પોલીસ કમિશનર તેમજ RO, ARO સહિત સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. તા.૮ના રોજ સૌપ્રથમ બેલેટ પેપરની ગણના થશે અને ત્યારબાદ EVMમાં પડેલા મતની ગણતરી શરૂ થશે.