અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં લોકજાગૃતિ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ

જિલ્લામાં ૮૩ ટીમ દ્વારા વિવિધ તાલુકાઓમાં નાગરિકોને સ્વરક્ષણ અને સંરક્ષણની તાલીમ અપાઈ
ફાયર, આરોગ્ય સહિતના વિભાગોના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સ્વબચાવની પદ્ધતિઓ વિશે નાગરિકોને જાગૃત કરાયાં
દરેક ટીમમાં મહેસૂલ, પંચાયત, આરોગ્ય, નાગરિક સંરક્ષણ, પોલીસ અને શિક્ષણ સહિત તમામ વિભાગના અધિકારી–કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકજાગૃતિ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ હતી. જે માટે મહેસૂલ, પંચાયત, આરોગ્ય, નાગરિક સંરક્ષણ, પોલીસ અને શિક્ષણ સહિતના વિવિધ વિભાગોની કુલ ૮૩ જેટલી ટીમ બનાવવામાં આવી હતી. વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત સામાન્ય નાગરિકો અને સ્વયંસેવકોએ આ તાલીમનો લાભ લીધો હતો.
આ તાલીમમાં બ્લેક આઉટ વિશે લોકોને માહિતગાર કરાયા હતા. સાથે જ મોકડ્રિલનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર બાદ સાઈબર સિક્યુરિટીની માહિતી આપી હતી અને સાયરન વગાડીને સાયરનના વિવિધ પ્રકારોની લોકોને સમજણ પણ આપવામાં આવી હતી.
આકસ્મિક મિસાઇલ હુમલા અથવા હવાઈ હુમલા જેવા સંજોગોમાં નાગરિકોને ક્રાઉલિંગ (સૂઈ જવું), સાંકડી અને ઓછામાં ઓછી જગ્યા હોય તો બચવા માટે કૂકડૂક સ્ટાઈલ, ફાયરમેન લિફ્ટ, વધુ વજન ધરાવનાર વ્યક્તિઓને ઊંચકવા ટૂ-મેન લિફ્ટ, ઈમર્જન્સી કૉલ એક્ટિવ કરવા સહિત તાત્કાલિક સ્થિતિમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવા માટે શું કરવું અને શું ન કરવું? તેની સમજ આપવામાં આવી હતી.
જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સી.પી.આર અંતર્ગત ચેસ્ટ કમ્પ્રેસન, શ્વાસ કેવી રીતે આપવો? જેવી જીવ બચાવનારી પ્રક્રિયાઓ વિશે માહિતગાર કરાયા હતા. ફાયર વિભાગ દ્વારા આગ કેવી રીતે બૂઝાવી શકાય તે અંગે સમજણ અપાઈ હતી.
આ તાલીમ માટે દરેક ટીમમાં નાગરિક સંરક્ષણ તજ્જ્ઞો ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના મહેસૂલ, પંચાયત, આરોગ્ય, પોલીસ અને શિક્ષણ સહિતના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારી ઉપરાંત એન.સી.સી. કેડેટ્સ તથા એન.એસ.એસ.ના વોલન્ટિયર્સ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ બાદ દરેક ગામમાંથી તાલીમબદ્ધ નાગરિકો તથા સ્વયંસેવકોના મોબાઈલ નંબર સાથેની યાદી તૈયાર કરવામાં આવી હતી.
આ તાલીમમાં જિલ્લાના વિવિધ પ્રાંત અધિકારીઓ, સ્થાનિક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સીઆરસી કો-ઑર્ડિનેટર તથા સ્થાનિક પોલીસ, તલાટી, ગ્રામજનો અને સ્વયંસેવકો સહભાગી થયા હતા.