અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના હસ્તે સિગ્નેચર અભિયાનનો પ્રારંભ
(માહિતી) અમદાવાદ, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલના હસ્તે આજે કલેક્ટર કચેરી ખાતેથી અચૂક મતદાન સંદર્ભે સામૂહિક ‘સિગ્નેચર અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ‘અવસર રથ’ અમદાવાદ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિસ્તારોમાં ફરીને ‘હું વોટ કરીશ’ સૂત્રનો પ્રચાર પ્રસાર કરીને નાગરિકોને તેમની સિગ્નેચર સાથે ફરજિયાત અને નિષ્પક્ષ મતદાન કરવા માટેના શપથ લેવડાવશે.
આ અભિયાન હેઠળ અમદાવાદના વિવિધ જાહેર અને ખાનગી સ્થળો જેવા કે રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડ, ડી-માર્ટ મોલ, આલ્ફા વન મોલ , કાલુપર રેલ્વે સ્ટેશન, ગુરુકુળ મેટ્ર્રો સ્ટેશન, કાંકરિયા લેક, અટલ બ્રીજ, રિવર ફ્રન્ટ, જિલ્લા કલેકટર વહીવટી કચેરી અમદાવાદ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી , વિવિધ શાળાઓ, કોલેજાે સહિતની સંસ્થાઓને આવરી લેવામાં આવશે.
આ ઉપરાંત, શહેરની ૧૦૦થી વધુ કોલેજાે અને ૬૦ જેટલા અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ તેમજ ૨ હજાર જેટલી સ્કૂલો આ ઝુંબેશમાં સહભાગી થશે. આ અભિયાન હેઠળ નાગરિકો પાસેથી , ‘ હું ભારતના બંધારણને સાક્ષી માની શપથ લઉં છું કે , આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હું કોઈ પણ ધર્મ , જાતિ , ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈ પણ રીતે પ્રલોભિત થયા સિવાય , અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઊજવીશ’ એવી પ્રતિજ્ઞા લેવડાવાશે અને તેની નીચે સહી લેવામાં આવશે. આ સાથે વિવિધ કાર્ડબોર્ડ અને મતદાન સંકલ્પપત્રો દ્વારા પણ શાળા કોલેજાેના વિધાર્થીઓ મારફતે વાલીઓ સહિત વિવિધ સોસાયટીના ચેરમેનશ્રી, સેક્રેટરીશ્રી સહિતના સોસાયટીના રહીશોને પણ આવરી લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સિગ્નેચર કેમ્પેઇનમાં આવનારા દિવસોમાં ત્રણ લાખથી વધુ નાગરિકોને જાેડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે . આ સિગ્નેચર ઝૂંબેશ શુભારંભ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આ અવસર રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોમાં અચૂક અને નિષ્પક્ષ મતદાન અંગે જાગૃતિ ફેલાવશે. જે વિસ્તારોમાં મતદાન અંગે ઓછી જાગૃતિ હોય છે, તેવા વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપીને નાગરિકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત, આ ઝુંબેશ હેઠળ વિવિધ જાહેર સ્થળોએ પણ નાગરિકોને તેમના મતાધિકારનું મહત્ત્વ સમજાવીને તેમની સહી સાથે તેમને અચૂક અને નિષ્પક્ષ મતદાનના શપથ લેવડાવાશે.
આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સી.પી. પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી સુધીર પટેલ, અધિક નિવાસી નાયબ કલેકટર શ્રી વી.કે.જાેશી સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા સેવા સદનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝુંબેશ જિલ્લા કલેકટર કચેરી અમદાવાદ , કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને ગુજરાત યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે. આજરોજ ગુજરાત યુનિવર્સિટીથી કુલપતિશ્રી પ્રોફે. ડો.હિમાંશુ પંડયા સાહેબ દ્વારા સિગ્નેચર કરીને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી પણ આ મહાસિગ્રેચર અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ ઝુંબેશ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી વહીવટી કચેરી અને અનુસ્નાતક ભવનો, યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને તેમની સિગ્નેચર સાથે ફરજિયાત અને નિષ્પક્ષ મતદાન કરવા માટેના શપથ લેવડાવાશે. આ કામગીરીમાં યુથ નોડલ ઓફિસર ડો. યોગેશ આર. પારેખના સંકલનમાં ૨૦૦ યુવાનો દ્વારા ૧૫૦ સ્ટેન્ડીઓ સાથે સમ્રગ અમદાવાદમાં યુવા મતદારો સાથે નાગરિકોને પણ આવરી લેવામાં આવશે. યુથ નોડલ ઓફિસરશ્રીના જણાવ્યા અનુસાર આ ઝુંબેશ હેઠળ અમદાવાદની ૨૧ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં અંદાજે ૩,૦૦,૦૦૦ લાખથી વધુ લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક છે .
આ મતદાન જાગૃતિ અને સિગ્નેચર ઝુંબેશનું સંચાલન જિલ્લા કલેકટર કચેરીની સ્વીપની સમ્રગ ટીમ, જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ. ચૌધરી, કેન્દ્રીય સંચાર બ્યુરોના ફિલ્ડ એક્ઝિબિશન ઑફિસર સુમનબેન મછાર, સહિત કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી અને ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ અને યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખ દ્વારા કરવામાં આવનાર છે.