અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ધવલ પટેલની ઉપસ્થિતિમાં મેરેથોન દોડ યોજવામાં આવી
‘રન ફોર વોટ’ના સૂત્ર સાથે દોડવીરોએ અચૂક મતદાનનો સંદેશ અમદાવાદના નાગરિકો સુધી પહોંચાડ્યો
(માહિતી) અમદાવાદ, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડૉ.ધવલ પટેલે આજે અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે ‘અવસર લોકશાહીનો’ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે યોજાયેલ મેગા મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ મેગા મેરેથોન દોડમાં આશરે ૧૫,૦૦૦ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈને ‘રન ફોર વોટ’ના સૂત્ર સાથે અચૂક મતદાનનો સંદેશ અમદાવાદના નાગરિકો સુધી પહોંચાડ્યો હતો.
મેગા મેરેથોન દોડમાં વિવિધ શાળાઓના શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ, સંચાલકશ્રીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ અને કલેકટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ અને નાગરિકો જાેડાયા હતા. મતદાન જાગૃતિનો સંદેશ આપતા વિવિધ પોસ્ટર અને બેનર સહિત દોડવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મેગા મેરેથોન દોડ પ્રસંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડૉ. ધવલ પટેલે જણાવ્યું હતું કે, મહત્તમ લોકો મતદાન કરે તેની જાગૃતિ માટે આ મેગા મેરેથોન દોડનું આજે આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહીના આ ઉત્સવમાં તમામ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે અને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો પોતાનો વોટ અવશ્ય કરે તેમજ અચૂકપણે મતદાન કરે એવો તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મતદાન જાગૃતિ અભિયાન-સ્વીપ (SWEEP)ના મુખ્ય નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રોહિતભાઈ એમ. ચૌધરી દ્વારા મતદાનનું મહત્ત્વ સમજાવવા સાથે સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વીપના આસિસ્ટન્ટ નોડલ ડૉ. એમ.આર. કુરેશી દ્વારા ઉપસ્થિતોને ‘ હું ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું કે , આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હું કોઈ પણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈ પણ રીતે પ્રલોભિત થયા સિવાય, અચૂક મતદાન કરીને લોકશાહીના
આ અવસરને ઊજવીશ’ શબ્દો સાથે અચૂક અને નિષ્પક્ષ મતદાનના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી સુધીર પટેલ, અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વાઢેર, શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી. દેસાઈ, શ્રી આઈ.કે. પટેલ, નોડલ ઓફિસર શ્રી જે.કે. પટેલ, ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ અને યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી મધુબહેન મોદી અને શ્રી ડી. એચ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.