અમદાવાદ જિલ્લાના 48 કિમી.ના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવ્યું
ભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી શરૂ થઈ
(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે માર્ગમકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે.
અમદાવાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કુલ ૪૨ જેટલા રસ્તાઓને અસર થઈ હતી, આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટર રેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે. ૪૨ રસ્તાઓ પૈકી હાલ ૩૦ માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે.
અમદાવાદ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી ૪૮ કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે અને અન્ય રસ્તાઓ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ શહેર, તાલુકા અને ગામોને જોડતાં રાજ્ય ધોરી માર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને અન્ય જિલ્લા માર્ગો, એમ મળીને કુલ ૧૦૨.૫૦ કિલોમીટરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.
જેમાં સૌથી વધારે ધોળકા તાલુકામાં ૨૧ કિલોમીટર, બાવળા અને સાણંદ તાલુકાઓમાં ૧૬ કિમી, ધોલેરા તાલુકામાં ૧૨ કિમી, વિરમગામ અને દેત્રોજ તાલુકાઓમાં ૧૧ કિમી, માંડલમાં ૬ કિમી, દસ્ક્રોઈમાં ૫ કિમી અને ધંધુકામાં ૪ કિલોમીટરના રસ્તાઓ એમ કુલ મળીને ૧૦૨.૫૦ કિલોમીટરના નાના-મોટા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, જેનું રિપેરિંગ કરીને તેને મોટરેબલ બનાવવાની કામગીરી પૂરપાટ વેગે ચાલી રહી છે.
અત્યાર સુધીમાં બધા તાલુકાના મળીને કુલ ૪૮ કિલોમીટર, એટલે કે પચાસ ટકા જેટલા રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે અને જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, રિ-સરફેસિંગ, મેટલવર્કની કામગીરી ગણતરીના દિવસોમાં પૂર્ણ કરી દેવાશે.