અમદાવાદમાં પૂર ઝડપે ચાલતાં ડમ્પર ચાલકોનો ત્રાસઃ શીલજ બ્રીજ અકસ્માતમાં યુવકનું મોત

પ્રતિકાત્મક
બહેનના ઘરેથી ટિફિન લઈને માતા-પિતાને આપવા જતા યુવકનું ડમ્પરની અડફેટે મોત-રાહદારીઓએ ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલકને પકડી પોલીસને સોંપ્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ટ્રાફીક પોલીસની ઢીલી નીતીના કારણે ડમ્પર બેરોકટોક દોડી રહયા છે. ડમ્પરના ચાલકો પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારતા હોવાથી અનેકવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે.
તેવામાં શનીવારે મોડી રાત્રે એસપી રીગ રોડ પર આવોલા શીલજ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. રપ વર્ષીય યુવક બહેનના ઘરેથી જમવાનું લઈને માતા પિતાને ટીફીન આપવા જતો હતો. ત્યારે બેફામ સ્પીડે આવેલા ડમ્પરના ચાલકે તેને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નીપજયું હતું. રાહદારીઓએ ભાગવા જતા ડમ્પરના ચાલકને ઝડપી પાડી બોપલ પોલીસને સોપ્યો હતો.
આંબલી ગામમાં રહેતા રપ વર્ષીય ઉમંગભાઈ પટેલ તેમના માતા પિતા સાથે રહેતા હતા. ઉમંગભાઈ સિંધુભવન રોડ પરની એક પ્લે સ્કુલમાં નોકરી કરતા હતા. ઉમંગભાઈની બહેન કૃપાબેન શનીવારે રાત્રે માતા પીતા અને ભાઈ માટે જમવાનું બનાવ્યું હતું. જેથી ઉમંગભાઈ તેમની બહેન કૃપાબેનના શીલજ ખાતેના ઘરે ટીફીન લેવા ગયા હતા. ઉમંગભાઈ રાત્રે ટીફીન લઈને ઘરે પરત આવી રહયા હતા.
ત્યારે શીલજ સર્કલથી બોપલ જતા બ્રિજના કટ પાસે એક ડમ્પર પુરઝડપે આવ્યું હતું. ડમ્પરની સ્પીડ વધુ હોવાથી ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને ઉમંગભાઈના બાઈકને ટકકર મારી હતી. ઉમંગભાઈ બાઈક સાથે રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોચી હતી.
બીજી તરફ ડમ્પરચાલક અકસ્માત બાદ ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા રાહદારીઓને તેનો પીછો કરીને ઝડપી લીધો હતો. આ મામલે ૧૦૮ને જાણ કરાતા ડોકટરે તપાસ કરીને ઉમંગભાઈને મૃત જાહેર કર્યા હતા. રાહદારીઓએ મૃતકના ફોનથી તેમના ઘરે ફોન કરતાં ઉમંગભાઈના પિતા ભરતભાઈ સ્થળ પર આવ્યા હતા.
ટીફીન લેવા ગયેલા પુત્રના મૃતદેહને જોઈને ભરતભાઈ ભાંગી પડયા હતા. આ મામલે બોપલ પોલીસને જાણ કરાતા પોલીસે ડમ્પરચાલક ગોિંવદ સોલંકી કોઠા તલાવડી બાવળાને ઝડપી પાડી તેની સામે ગુનો નોધ્યો છે.