અમદાવાદઃ રીઢા ગુનેગારો તપાસવા વહેલી સવારે કોમ્બિંગ
અમદાવાદ, શહેરમાં હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેર પોલીસના રાજમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તે પ્રકારના ગંભીર ગુનાઓ ગુનેગારો દ્વારા આચરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વેજલપુર અને ગોમતીપુરમાં હત્યા, કાગડાપીઠમાં લૂંટ જેવી અનેક ગંભીર ઘટનાઓ બનવા પામી હતી.
આ ઘટનાઓ બન્યા બાદ કેટલાક બનાવોમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. એકતરફ આરોપીઓ પકડાતા નથી ત્યાં પોલીસ તેમના વિસ્તારમાં ગુના બન્યા બાદ રીઢા આરોપીઓના ઘરે સવારે ૪થી ૬ દરમિયાન તપાસ માટે કોમ્બિંગ કરીને નાટ્યાત્મક કામગીરી કરી હતી.
વેજલપુર પોલીસે મર્ડર અને અન્ય ગંભીર બનાવો અટકાવવાની જગ્યાએ બનાવ બન્યા બાદ કોમ્બિંગ કર્યું હતું. વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગુનેગારો બેફામ બન્યા હોવાનું જગજાહેર છે. તાજેતરમાં એક આરોપીની અહીંના અધિકારીઓએ મદદ કરીને કાર્યવાહી કરી હોવાનું ચર્ચાયા બાદ પણ તેમની સામે પગલાં લેવાયા નથી. આ ગંભીર ઘટના બાદ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ગેંગ વોર થયો હોવાનું સામે આવ્યું હતું.
આટલા ગંભીર બનાવો બન્યા બાદ હવે વેજલપુર પોલીસ ઊંઘમાંથી સફાળી જાગી હતી અને પાંચ ટીમો બનાવીને રીઢા ગુનેગારો, શંકાસ્પદ લોકો, ટપોરીઓને તેમના ઘરે તપાસ્યા હતા.
પોલીસે ત્રણ હિસ્ટ્રિશીટર, ૭ એમસીઆર કાર્ડવાળા શખ્સો તપાસ્યા હતા. જ્યારે ૫૦ વાહનો ચેક કરીને પાંચ રીઢા ગુનેગારો અને ૨૫ શંકાસ્પદ લોકોને તપાસ્યા હોવા છતાંય પણ પોલીસને એક છરી કે એક ચપ્પુ પણ મળ્યું ન હતું. સ્થાનિક પોલીસે કોમ્બિંગના નામે નાટક કરીને ઉચ્ચ અધિકારીઓને નિલ રિપોર્ટ સોંપીને સબ સલામતના દાવા પોકાર્યા હતા.SS1MS