અમદાવાદનો એક યુવાન બન્યો વરિષ્ઠ વૈજ્ઞાનિક અને મેળવ્યો ભારતનો એન્જિનિયરિંગ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એવોર્ડ
ગુજરાતનું ગૌરવ: યુવા વૈજ્ઞાનિક શ્રી ચિરાગ મિસ્ત્રી
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક ડિગ્રી મેળવેલ વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી ચિરાગ પ્રકાશચંદ્ર મિસ્ત્રીને ભારતનો પ્રતિષ્ઠિત ‘IEI (ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનિયર્સ ઇન્ડિયા) યંગ એન્જિનિયર્સ એવોર્ડ થી સન્માનિત
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી શિક્ષણ મેળવેલ વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી ચિરાગ પ્રકાશચંદ્ર મિસ્ત્રીને ભારતનો પ્રતિષ્ઠિત ‘IEI (ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનિયર્સ ઇન્ડિયા) યંગ એન્જિનિયર્સ એવોર્ડ 2024-25′ એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ એવોર્ડ મેકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ આપવામાં આવ્યો છે. હાલમાં ચંદીગઢમાં આયોજિત મિકેનિકલ એન્જિનિયર્સની 39મી નેશનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર દરમિયાન તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માન હેઠળ, શ્રી ચિરાગ મિસ્ત્રીને એક તકતી (સ્મારક) અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.
શ્રી ચિરાગ મિસ્ત્રી હાલમાં ભારત સરકાર સંચાલિત સીએસઆઈઆર-સિરી, રાજસ્થાનમાં સ્થિત સંસ્થામાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે, અને સંસ્થાના માઇક્રોવેવ વિભાગમાં ટ્રાવેલિંગ વેવ ટ્યુબ્સની ડિઝાઇન અને વિકાસમાં સેવા આપી રહ્યા છે. તેમણે એન્જિનિયરિંગ સંશોધન, નવીન તકનીકી વિકાસ અને સામાજિક કલ્યાણની નવીનતાઓમાં શ્રેષ્ઠતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જે બદલ તેમને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ સન્માન સંસ્થાના અન્ય યુવા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરવા પ્રેરણા આપે છે. તેમની પાસે સંશોધન અને વિકાસ પ્રવૃત્તિનો(R & D) 9 વર્ષનો અનુભવ છે. તેમણે SCI જર્નલમાં અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં 19 સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે. આંતરરાષ્ટ્રીય મંચ પર તેમના સંશોધન અને વિકાસ કાર્યને રજૂ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) તરફથી પ્રાયોજિત ફેલોશિપ દ્વારા તેમને બે વખત વિદેશની મુલાકાત લેવાની તક મળી છે. તેમને SAC-ISRO, અમદાવાદ અને CSIR દ્વારા વિવિધ પ્રતિષ્ઠિત R & D પ્રોજેક્ટ્સમાં કામ કરવાની તક મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, IEI યંગ એન્જિનિયર્સ એવોર્ડ’ દર વર્ષે યુવા એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) દ્વારા આપવામાં આવતો યંગ એન્જિનિયર પુરસ્કાર જે 35 વર્ષથી ઓછી ઉંમરના એન્જિનિયરોને આપવામાં આવે છે જેમણે સંશોધન, ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય તેવા મહાનુભાવોને પુરસ્કૃત કરવામાં આવે છે.
ઇન્સ્ટિટ્યુશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) [IEI] એ ઇજનેરોની સૌથી મોટી બહુ-શિસ્ત વ્યાવસાયિક સંસ્થા છે, તેની સ્થાપના 1920 માં કરવામાં આવી હતી અને તેનું મુખ્યાલય કોલકાતામાં આવેલું છે