અમદાવાદની અસ્મિતામાં વધારો કરવા સીટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે
અમદાવાદના આઠ સ્થળે રૂ. 300 કરોડના ખર્ચથી આઇકોનીક રોડ બનાવવામાં આવી રહયા છે.
વૈષ્ણોદેવી, સનાથલ, તપોવન સર્કલ, વૈષ્ણોદેવી સર્કલ ઓગણજ, શાંતિપુરા સર્કલ ,ચિલોડા સર્કલ તેમજ જશોદાનગર-ડાકોર હાઇવે સહિતના સાત એન્ટ્રી પોઈન્ટ પર સિટી એન્ટ્રી ગેટ બનશે-સિટી એન્ટ્રી ગેટ પર રૂફ ટોપ વ્યુઇંગ ગેલેરી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના મુખ્ય પ્રવેશદ્વારને જોડતા રોડને આઇકોનીક રોડ બનાવવામાં આવી રહયા છે. એરપોર્ટ સર્કલથી હાંસોલ સુધી આઇકોનીક રોડ બનાવ્યા બાદ અન્ય આઠ સ્થળે રૂ. 300 કરોડના ખર્ચથી આઇકોનીક રોડ બનાવવામાં આવી રહયા છે.
હવે, વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખમાં વધારો કરવા તેમજ શહેરમાં પ્રવેશતાની સાથે જ સહેલાણીઓને આધુનિક અને હેરિટેજ સિટીનો પરિચય કરાવે તેવા એન્ટ્રી પોઇન્ટ બનાવવામાં આવશે. તમામ એન્ટ્રી પોઈન્ટ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે. આકર્ષક ડિઝાઇન, ડેકોરેટિવ લાઇટિંગ, લેન્ડસ્કેપિંગ સાથે એન્ટ્રી પોઇન્ટ બનાવવામાં આવશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ શહેરને હાઇવે ઉપરથી જોડતા વૈષ્ણોદેવી, સનાથલ, તપોવન સર્કલ, વૈષ્ણોદેવી સર્કલ ઓગણજ, શાંતિપુરા સર્કલ ,ચિલોડા સર્કલ તેમજ જશોદાનગર-ડાકોર હાઇવે સહિતના સાત એન્ટ્રી પોઈન્ટ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે. આ માર્ગો ઉપર સિટી એન્ટ્રી ગેટ બનાવવાની જોગવાઇ 2024- 25ના બજેટમાં કરવામાં આવી છે.
આ ઉપરાંત મુખ્ય સાત પ્રવેશ માર્ગ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ ગુજરાત સરકારનાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તેમજ ઔડા સાથે સંકલન કરવામાં આવશે. સ્થળ પરિસ્થિતિ મુજબ સિટી એન્ટ્રી ગેટ બનાવાશે અને ત્યાં આસપાસનાં રસ્તાની ડિઝાઇન પણ સુધારવામાં આવશે.
સિટી એન્ટ્રી ગેટની આસપાસ નાગરિકો માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ સિટી એન્ટ્રી ગેટ પર રૂફ ટોપ વ્યુઇંગ ગેલેરી પણ બનાવવામાં આવશે. જ્યાંથી મુલાકાતીઓ શહેરનો નજારો માણી શકશે. એન્ટ્રી ગેટની ડિઝાઇન હેરિટેજ થીમ મુજબ અને મોર્ડન થીમ આધારે કરવામાં આવશે.
સિટી એન્ટ્રી ગેટ વિસ્તારમાં ડેકોરેટિવ લાઇટીંગ, પ્લાન્ટેશન અને લેન્ડ સ્કેપીંગ સહિતનાં આકર્ષણો ઉભા કરવામાં આવશે.અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ મેળવનાર દેશનું પ્રથમ શહેર છે. અમદાવાદ ની અસ્મિતા અને આગવી ઓળખ જળવાઈ રહે તે મુજબ સીટી એન્ટ્રી ગેટની ડિઝાઇન તૈયાર થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.