ઇન્દિરા બ્રિજ પાસે ફલેટમાં આગ લાગતા ર૬ નાગરિકોને બચાવાયા

ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરી: એકની હાલત ગંભીર
(એજન્સી)અમદાવાદ,અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં ફલેટમાં લાગેલી આગમાં સ્થાનિક નાગરિકોએ જીવ બચાવવા માટે જીવના જોખમે પ્રયાસો કર્યા હતા. હજુ આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યારે આજે મોડી સાંજે શહેરના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા એક ફલેટમાં ૪ માળે એચીમાં આગ લાગતા ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાંચમાં માળ સુધી આગ પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા.
આ ફલેટમાં રહેતા કુલ ર૬ જેટલા નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે, પાંચ જેટલી વ્યક્તિઓએ જીવ બચાવવા ચોથા અને પાંચમાં માળેથી ઝંપલાવ્યું હતું જેમાં ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે. આ આગની ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
શહેરમાં ફરી વાર એક આગની ઘટના સામે આવી છે. જેમાં સરદાર નગર વિસ્તારમાં આ આગની ઘટના બની હતી. આગને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે જ બિલ્ડીંગમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે હાલ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તેમણે આગને કાબુમાં લીધી હતી. બિલ્ડીંગમાં આગ લાગવાને કારણે સ્થળ ઉપર પણ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
ઘટનામાં કુલ પાંચ લોકો પાંચમાં માળેથી આગને કારણે કૂદી ગયા હતા. જોકે સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મીઓ પહેલાથી જ તૈયારી રાખીને બેઠા હતા. જેમાં જેના તેઓ નીચે કૂદ્યા કે તેઓએ તેને બચાવી લીધી હતી. બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો સરદારનગર વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ પાસે આવેલી સોસાયટીમાં આ આગની ઘટના બની હતી. જેમાં આટરિયા આર્ચિડ બિલ્ડીંગમાં આ આગ લાગી હતી. આ આગની ઘટના એસીના કારણે લાગી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જોકે હજુ સુધી આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ સામે નથી આવી શક્યું. બિલ્ડીંગના ચોથા માળે આગ લાગી હતી. જોકે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું જેના કારણે આગ પાંચમાં માળ સુધી પહોંચી હતી. બીજી તરફ ફાયર વિભાગની પણ ૧૦ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને તેમણે પાણી નાખીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ દૂર્ઘટનામાં ૩ વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.