ફલાવર શોના ઈતિહાસમાં પ્રથમ વખત કન્સલટન્ટની નિમણૂંક થશે: ખર્ચો ગત વર્ષ કરતાં ડબલ થશે
ર૦ર૪ની સરખામણીમાં ફલાવર શો- ર૦રપમાં બમણો ખર્ચ થાય તેવી શક્યતા-ફલાવર શો – ર૦ર૪માં રૂ.૧૧.૬પ કરોડનો ખર્ચ થયો હતો જેની સામે બગીચા વિભાગ દ્વારા અત્યાર સુધી રૂ.૧૭ કરોડના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફલાવર શો નું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે દેશ- વિદેશના સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અમદાવાદના ફલાવર શો એ ર૦ર૪માં ગ્રીનીઝ બુકમાં પણ સ્થાન મેળવ્યું છે. અત્યાર સુધી ખુબ જ વ્યવસ્થિત રીતે અને ઓછા ખર્ચે ફલાવર શોનું આયોજન થતું રહયું છે પરંતુ ર૦રપમાં યોજાનાર ફલાવર શો માટે પાછલા વર્ષ કરતા બમણો ખર્ચ થાય તેવા એંધાણ જોવા મળી રહયા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રંટમાં ફલાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના સ્ટ્રકચર મુકવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશનના ફલાવર શો ના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિદેશના અનેક મહાનુભાવોએ પણ કર્યાં છે. જેનો યશ બગીચા વિભાગના ડાયરેકટરને ફાળે જાય છે.
પરંતુ હાલ તેઓ અંગત કારણોસર લાંબી રજા પર હોવાથી ર૦રપના ફલાવર શોમાં તેમના સમય અને શક્તિનું આપી શકે તેમ નથી જેની માઠી અસર ફલાવર શોના આયોજન અને ખર્ચ પર થઈ શકે છે.
મ્યુનિ. બગીચા વિભાગના સક્ષમ ડાયરેકટરની ગેરહાજરીના કારણે પ્રથમ વખત જ ફલાવર શોમાં કન્સલટન્ટની નિમણુંક કરવાની ફરજ પડી છે. ચોંકાવનારી બાબત એ છે કે એક ફલાવર શો માટે બે કન્સલટન્ટ નિમવામાં આવશે જેમના માટે રૂ.રપ થી ૩૦ લાખનો અલગથી ખર્ચ થશે. તદઉપરાંત ર૦ર૪ની સરખામણીમાં ર૦રપના ફલાવર શોમાં લગભગ બમણો ખર્ચ થાય તેઓ અંદાજ છે.
ફલાવર શો – ર૦ર૪માં રૂ.૧૧.૬પ કરોડનો ખર્ચ થયો હતો જેની સામે બગીચા વિભાગ દ્વારા અત્યાર સુધી રૂ.૧૭ કરોડના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે તેમજ આગામી સમયમાં વધુ પાંચથી સાત કરોડના ટેન્ડર જાહેર થઈ શકે છે. આટલો ખર્ચો કર્યા બાદ પણ નિષ્ણાત અધિકારીની ગેરહાજરીમાં ફલાવર શોનું આયોજન કેટલા અંશે સફળ થશે તે બાબતે પણ ચર્ચા ચાલી રહી છે.