અમૂલની ઇજારાશાહી ખતમ: મ્યુનિ. કોર્પોરેશન ના ત્રણ બગીચા યુ.એન.મહેતા ફાઉન્ડેશન ડેવલપ કરશે
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક ના 240 કરતા પણ વધુ બગીચા અમુલ કંપનીને સોંપવામાં આવ્યા છે. જેમાં બગીચાની જાળવણી કરવાની શરત સામે અમુલ ને પાર્લર માટે જગ્યા આપવામાં આવી છે.
પરંતુ અમૂલ કંપની ઘ્વારા યોગ્ય રીતે બગીચા મેન્ટેઇન થતા ન હોવાની વ્યાપક ફરિયાદો બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અન્ય વિકલ્પો માટે પણ વિચારણા શરૂ કરી છે. જેમાં યુ.એન.મહેતા ફાઉન્ડેશન ને બે હયાત બગીચા જાળવણી માટે સોંપવામાં આવશે જયારે કંપની પીપીપી ધોરણે એક નવો બગીચો ડેવલપ કરશે..
મ્યુનિસિપલ રિક્રિએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદી ના જણાવ્યા મુજબ પીપીપી ધોરણે બગીચા બનાવવા અને હયાત બગીચા મેન્ટેઇન કરવા ત્રણ થી ચાર કંપનીઓએ રસ દાખવ્યો છે. જેમાં યુ.એન.મહેતા ટ્રસ્ટ ને ગુલમહોર વીલાની બાજુમાં સાયન્સ સીટી, ગોતા , ઔડા ગાર્ડન, આનંદિનકેતન સ્કુલની પાસે, જોધપુર તેમજ સ્વ. હરેન પંડયા ગાનિ, જીવરાજ મહેતા હોસ્પિટલ સામે, વાસણાની ફાળવણી કરવામાં આવી છે.
ગોતાનો બગીચો ફાઉન્ડેશન ઘ્વારા ડેવલપ કરવામાં આવશે જયારે અન્ય બે હયાત બગીચા ની જાળવણી કરવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા પી.પી.પી. પોલીસી મુજબ ગાર્ડન ડેવલપમેન્ટ/ મેઈન્ટેનન્સ માટે પી.પી.પી. પાર્ટનર દ્વારા કરવાની કામગીરી કરવામાં આવશે. જેમાં બગીચાના ડેવલપમેન્ટ જાળવણી માટેનો તમામ કેપીટલ ખર્ચ તેમજ મેઇન્ટેનન્સ ખર્ચની સંપૂર્ણ જવાબદારી પી.પી.પી. પાર્ટનરની રહેશે.
સંસ્થા દ્વારા ગાર્ડન ડેવલપમેનન્ટનો પ્લાન તૈયાર કરી પ્રથમ આ. મ્યુ. કોર્પો. પાસે મંજુર કરાવ્યા બાદ ડેવલપમેન્ટ કામગીરી કરવાની રહેશે.સંસ્થાને ફાળવેલ મ્યુ.પ્લોટમાં જાહેર જનતાના વપરાશ હેતુસર સંપુર્ણ સુવિધાઓ સાથે ગાર્ડન કેવલપ કરી બગીચા/ બગીચાનાં પ્લોટમાં સુંદરતા વધારવી તેમજ બગીચાની જાળવણી કરવાની સામે કોઈ પણ પ્રકારનાં ભાડુઆતના કે પ્રોપરાઈટર હકકો કે અન્ય કોઈ હકકો મળી શકશે નહી. બગીચાનાં જે તે પ્લોટ પરનું નિયંત્રણ અને માલીકી સંપૂર્ણપણે અ.મ્યુ.કોર્પો.ની રહેશે.
કંપનીએ બગીચાના નિર્ધારીત કરેલા મુલાકાતના સમય દરમ્યાન બગીચો તમામ જાહેર જનતા માટે જાતિ, સંપ્રદાય કે ધર્મનાં કોઈપણ પ્રકારનાં ભેદભાવ વિના ખુલ્લો રાખવાનો રહેશે. મુલાકાતનાં સમયનાં કલાકો સવારનાં ૬ થી રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી રહેશે. જે દરમ્યાન બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધીનાં સમયને રીરોષના સમય તરીકે રાખવાનો રહેશે.
અ.મ્યુ.કોર્પો.ની પૂર્વ પરવાનગી વિના બગીચાની અંદર કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાશે નહી. એગ્રીમેન્ટ ૫ વર્ષના સમયગાળા માટે લાગુ રહેશે. પાંચમા વર્ષના અંતે એગ્રીમેન્ટ લેબાવવા અર્થે પરસ્પર સમજૂતીથી નિર્ણય કરી શકાશે. જો બંનેમાંથી કોઈ એક પક્ષ કરારનો અંત લાવવા માંગતા હોય તો તે માટે જે તે પક્ષ દ્વારા ૩ માસની નોટિસ આપવાની રહેશે. આ સંજોગોમાં કરારની મુદ્દત ૫ વર્ષ અથવા તો નોટિસ આપ્યાનો ૩ માસ આ બે માંથી જે પ્રથમ આવે ત્યાં સુધીની રહેશે.
આ સમજુતી અંગે કંપની સાથે બગીચા વિભાગ દ્વારા વધુ પાંચ વર્ષ માટે એમ.ઓ.યુ. અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.