અમદાવાદની સ્કૂલ ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત સેમિનાર અને સ્પર્ધાનું આયોજન
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાકીય માહિતીનું વિસ્તૃત રજૂઆત કરવામાં આવી
દીકરીઓ પોતાની સાથે થતા ભેદભાવપૂર્ણ વ્યવહાર વિરુદ્ધ સવાલ કરતી થાય અને દરેક સંજોગમાં અડગ રહીને આગળ વધે, આત્મનિર્ભર બને.: ડી.વાય.એસ.પી. શ્રી હિમાલા જોશી
અમદાવાદના રાયપુર વિસ્તારની જી.સી.ગર્લ્સ સ્કૂલ ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન ડી.વાય.એસ.પી. શ્રી હિમાલાબહેન જોશીએ પ્રસંગોપાત પ્રવચન આપતા શાળાની વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે સમાજમાં થતા દીકરા અને દીકરીઓ વચ્ચેના ભેદભાવ વિશે ચર્ચા કરીને દીકરીઓને તેમની આસપાસ થતા ભેદભાવને સહજ રીતે ના સ્વીકારવા, તે ભેદભાવ વિરુદ્ધ પ્રશ્નો કરવા દીકરીઓને જણાવ્યું હતું.
તેમણે સામાન્ય રીતે દીકરીઓ સાથે થતા ભેદભાવ ઉપર સવાલ કરી સમાજમાં દીકરા અને દીકરીઓ વચ્ચે કોઈ તફાવત ન થાય તેવું વાતાવરણ ઊભું કરવા જણાવ્યું હતું. દીકરીઓ દરેક પડકારરૂપ સંજોગમાં લડત આપી શકે, ડર કે ભય વગર સમાજમાં રહી શકે, દીકરીઓમાં નિર્ણય શક્તિનો વિકાસ થાય અને તેઓ આત્મનિર્ભર બને તો દેશ અને સમાજમાં તેઓ પોતાનું તથા દેશનું નામ રોશન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમ અન્વયે શાળાની વિદ્યાર્થીનીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજના, પીબીએસસી સેન્ટર યોજના, 181 અભયમ યોજના વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ભારત સરકારની વર્ષ 2015 થી ચાલતી ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત સમાજમાંથી લિંગભેદ દૂર થાય, સમાજમાં દીકરીઓનું રક્ષણ થાય, દીકરીઓના જન્મદરમાં વધારો થાય, દીકરીઓના શૈક્ષણિક સ્તરમાં વધારો થાય તે માટેના જુદા જુદા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
દીકરીઓની સંખ્યા વધે, દીકરા અને દીકરીના જન્મમાં તફાવત ન રાખવામાં આવે, સમાજમાંથી દીકરાનો મોહ ઘટે, દીકરીઓનું સશક્તિકરણ થાય, શાળાઓમાં દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય, દીકરીઓ શિક્ષિત બને અને તેમના જીવનમાં પ્રગતિ કરે તે માટે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી વૃતિકાબહેન વેગડા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ જીતેશભાઈ સોલંકી, જિલ્લા સુરક્ષા અધિકારી શ્રી વિજયભાઈ પ્રજાપતિ, 181 અભયમ ટીમના સોનલબહેન, શાળાની વિદ્યાર્થિનીઓ, શિક્ષકો તથા અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.