ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટાચૂંટણીમાં BJPની જીત

ઘાટલોડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલ વિદેશમાં સ્થાયી થતાં તેને કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠક ખાલી પડી હતી.
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘાટલોડિયા વોર્ડની ખાલી પડેલી બેઠક ઉપર તા. ૧૬મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું. દરમિયાન આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવિણભાઈ અંબાલાલ પટેલનો વિજ્ય થયો હતો.
ભાજપના ઉમેદવાર પ્રવિણભાઈ પટેલને ૨૨૩૫૩ મત મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૧૧૫૨ મત મળ્યાં હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમિતકુમાર નટવરલાલ પંચાલને ૪૮૮, એનસીપી (શરદ પવાર)ને ૯૯ અને રાષ્ટવાદી કોંગ્રેસ પક્ષને ૨૦૩ મત મળ્યાં હતા. આમ ભાજપના ઉમેદવાર પ્રવિણભાઈ પટેલની ભવ્ય જીત થઈ હતી.
પ્રવિણભાઈ પટેલની જીતના પગલે તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરોએ મતગણતરી કેન્દ્ર ખાતે જ ભવ્ય ઉજવણી કરી હતી. ઘાટલોડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલ વિદેશમાં સ્થાયી થતાં તેને કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠક ખાલી પડી હતી.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે ઘાટલોડિયા વોર્ડની ખાલી પડેલ આ બેઠકની પણ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. રવિવારે આ બેઠક માટે મતદાન યોજાયું હતું. પેટાચૂંટણીમાં લગભગ ૩૦ ટકા જેટલું નિરશ મતદાન થયું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં હાર્યા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ ૧૫ વોર્ડમાંથી બે વોર્ડ (૩ અને ૧૪) બિનહરીફ જાહેર થયા છે, તો બીજી તરફ રાજ્યની ૬૬ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ પણ સામે આવી રહ્યું છે. જેમાં ક્યાંક ચોંકવનારા રિઝલ્ટ સામે આવી રહ્યાં છે. ચોરવાડ નગરપાલિકાના પરિણામે સૌને ચોંકાવ્યા છે તો બીજી તરફ જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર થઈ છે.
જૂનાગઢ મહાપાલિકાના પરિણામમાં ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર થઈ છે. વોર્ડ નંબર ૯માં ભાજપની પેનલ તૂટી છે.તો બીજી તરફ ચોરવાડ નગરપાલિકાના પરિણામે સૌને ચોંકાવ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે. વોર્ડ નંબર ૩માંથી ચૂંટણી લડતા હતા. વોર્ડ નંબર ૩માં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતની પેનલની હાર થઈ છે.