Western Times News

Gujarati News

અમદાવાદમાં 4 વર્ષમાં 319 ભૂવા પડ્યા: રીપેરીંગ ખર્ચ રૂ.૪૮ કરોડ: શહેઝાદખાન પઠાણ

File

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમા જ પાણીનો ભરાવો અને ભુવા/બ્રેકડાઉન સામાન્ય બાબત બની ગયા છે. ભુવા/બ્રેકડાઉન થવા માટે વર્ષો જૂની સડેલી પાઇપલાઇન મુખ્ય કારણ છે.

આ ઉપરાંત કેટલાક સ્થળે રોડની નબળી ગુણવત્તા કે ખોદકામ બાદ યોગ્ય વોટરિંગ ન થવાના કારણે પણ ભુવા પડે છે. મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને શાસકો તરફથી દર વરસે ચોમાસા પહેલા દાવા કરવામાં આવે છે તેમ છતાં ભુવા તો પડે જ છે. શહેરમાં છેલ્લા ચાર વર્ષ દરમ્યાન ૩૦૦ કરતા વધુ ભુવા પડ્‌યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પો દ્વારા દરવર્ષે આશરે અમદાવાદ શહેરના નગરજનોને સારા રોડ રસ્તાની સુવિધા મળી રહે તેવા ઉદ્દેશથી નવા રોડ બનાવવા, જુના રોડ રીસરફેસ કરવા તથા પેચર્વકના કામો માટે દર વર્ષે રૂ. ૧૦૦૦ કરોડના રોડના કામો માટે ખર્ચ કરવામાં આવે છે.

આ ઉપરાંત આટલી મોટી રકમ નવી ડ્રેનેજ લાઈનો નાખવા કે તેના રી-હેબ માટે ખર્ચ થાય છે તેમ છતાં છેલ્લા ચાર વર્ષમાં ૩૧૯ જેટલા મોટા ભુવા(બ્રેકડાઉન) થયા છે.જેને કારણે અમદાવાદ શહેર ભુવાનગરી બની જવા પામેલ છે તેમાં ખાતર પર દીવેલ તે ભુવા પડયા બાદ તેને પુરવા માટે અંદાજે ૧૫.૦૦ લાખ થી ૨૦.૦૦ લાખનો ખર્ચ થવા પામે છે જેથી તે ભુવા પુરવા માટે અંદાજે ૪૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ તમામ ખર્ચ પ્રજાના પરસેવાના ટેક્ષના નાણાંમાંથી થતો હોય છે

અમદાવાદ શહેર ભાજપ દ્વારા કહેવાતાં સ્માર્ટ સીટી સાચા અર્થમાં ભુવા સીટી બની ગયું છે. વિકાસના તમામ દાવા પોકળ સાબિત થયા છે. ૨૦૨૩-૨૪ના વર્ષમાં તો ભુવા/ બ્રેકડાઉન ના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. આ વર્ષ દરમ્યાન ૧૫૮ ભુવા પડયા હતા.

જે છેલ્લા ૫ વર્ષ દરમ્યાન પડેલા કુલ ભુવાના ૫૦ ટકા થાય છે. મ્યુનિસિપલ ઈજનેર વિભાગ તરફથી સારા રોડ અને પાઇપલાઇનો માટે પ્રતિ વર્ષ કરોડો રૂપિયા ખર્ચ થાય છે તેમ છતાં ભુવા પડે છે.કેટલાક સ્થળે તો દર વરસે ભુવા પડે છે. પ્રતિ કિલોમીટર રૂ ૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ જનમાર્ગ કોરિડોર માં પણ ભુવા પડી રહયા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.