અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લાની 600 જેટલી શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી
અમદાવાદ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તિરંગા યાત્રા દ્વારા વ્યક્ત કર્યો રાષ્ટ્રપ્રેમ
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ બેન્ડ અને સૂત્રો વાળા પ્લેકાર્ડ સહિત દેશભક્તિના નારાઓ સાથે ઉત્સાહભેર યોજી તિરંગા યાત્રાઓ
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા અલગ અલગ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આવા જ એક કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની 600 શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બે કિલોમીટર સુધીની તિરંગા યાત્રાઓ યોજી હતી. જિલ્લાની 600 શાળાના અંદાજિત 84,682 વિદ્યાર્થીઓ અને 1876 શિક્ષકોએ યાત્રામાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમની પ્રબળ ભાવના જીવંત કરી હતી.
સાથે જ , વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તિરંગા સાથે સેલ્ફી લીધી હતી અને શપથ લીધા હતા. ઠેર ઠેર જિલ્લાના ગામોમાં અને શાળાઓમાં યોજાયેલી તિરંગા યાત્રાઓને પરિણામે રાષ્ટ્રભક્તિનું અનેરું વાતાવરણ સર્જાયું હતું.