અમદાવાદઃ વિશ્વભારતી હાઈસ્કૂલ દ્વારા માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી
અમદાવાદ, વિશ્વ માતૃભાષા દિન 21મી ફેબ્રુઆરી આ દિવસની ભવ્ય ઉજવણી વિશ્વભારતી હાઈસ્કૂલ દ્વારા ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ ભારતીય વિદ્યાભવન અને આનંદાલયના સંયુક્ત ઉપક્રમે ભવન્સ કોલેજના ઓડિટોરિયમમાં કરવામાં આવી.
જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા વક્તવ્ય અને હૃદય સ્પર્શી ગુજરાતી ગીતો દ્વારા માતૃભાષાના મહત્વ વિશે તથા ગુજરાતી ભાષાના વૈભવ વિશે જણાવવામાં આવ્યું. ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઈરફાનભાઇ ચિશ્તી સાહેબના આમંત્રણને માન આપી શ્રી જી. આઈ. શેખ સાહેબ, ડોક્ટર રમેશભાઈ ઓઝા સાહેબ તથા ભારતીય વિદ્યાભવનના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
તેઓએ જણાવ્યું કે માતૃભાષા માતાના દૂધની સાથે આવે છે. તેમાં સંસ્કાર છે સંસ્કૃતિ છે સૌમ્યતા છે. અન્ય ઘણી બધી ભાષાઓ શીખવી જોઈએ પણ પોતાની માતૃભાષાના સાનિધ્યમાં સદાય રહેવું જોઈએ , હાલનો સમાજ અન્ય ભાષાની ઘેલછામાં પોતાની માતૃભાષાને કે અન્ય શીખેલી ભાષાને ન્યાય આપી શકતો નથી. અને સાથે સાથે પોતાની અમૂલ્ય સંસ્કૃતિને પણ ખોઈ રહ્યો છે.
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઈરફાનભાઇ ચિશ્તી સાહેબએ જણાવ્યું કે વિશ્વભારતી સ્કૂલ હંમેશા બાળકોના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. તે માટે આવા અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. બાળકો માતૃભાષાના મહત્વ જાણે તે જરૂરી છે. માતૃભાષાએ આપણી તેહઝીબ છે.
આમ ખૂબ જ ભવ્યતા સાથે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા સાહેબની પ્રેરણાથી સંચાલક શ્રી દિનેશભાઈ મજેઠીયા સાહેબ તથા સંયોજક કુમારી જસ્મીનબેન શેખની આગેવાની હેઠળ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી અને ઉપસ્થિત વાલીગણ, વિદ્યાર્થીગણ તમામને અન્ય ભાષાની ઘેલછામાંથી બહાર આવીને પોતાની માતૃભાષામાં વિચાર, મનોમંથન અને ઉત્કૃષ્ટ રજૂઆત કરવા પ્રેરવામાં આવ્યા હતા.SS1MS