મેઘાણીનગરમાં રીક્ષામાં છુપાવેલી પિસ્તોલ તથા કારતુસ મળી આવ્યા
અમદાવાદ : શહેરમાં ઘાતક હથિયારો મળી આવવાના બનાવો વારંવાર સામે આવી રહયા છે સામાન્ય રીતે જુહાપુરા, નારોલ જેવા વિસ્તારોમાં આવી ઘટના વધુ બનતી હોય છે ત્યારે ગઈકાલે મેઘાણીનગર પોલીસે બાતમીને આધારે રીક્ષામાંથી એક પિસ્તોલ તથા જીવતા કારતુસ ઝડપી લીધા છે પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા શખ્સે આ હથિયાર રીક્ષામાં મુકયુ હોવાનું બહાર આવ્યું છે. આ અંગેની વિગત એવી છે કે ગઈકાલે મેઘાણીનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ વખતે તેમને મોહન ભાટીયાની ચાલી નજીક એક રીક્ષામાં પિસ્તોલ હોવાની બાતમી મળી હતી.
જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોચતા રામજીતસીંગ નથુસીંગ ચૌહાણ (ઉ.૩૬) રહે. મહાવીરસીંગની ચાલી, ચંદનનગર મેઘાણીનગર રીક્ષા સાફ કરી રહયો હતો પોલીસે કોર્ડન કરીને તેમની રીક્ષા તપાસતા પાછળની તરફથી પ્લાસ્ટીકની થેલીમાં લપેટીને મુકેલી એક પિસ્તોલ તથા કેટલાંક કારતુસ મળી આવ્યા હતા.
આ અંગે રીક્ષા માલિક રામજીતસીંગની પુછપરછ કરતાતે આ અંગે અજાણ હોવાનું કહયું હતું વધુમાં મોહનભાટીયાની ચાલીના નાકે પોતે રીક્ષા મુકતો હોઈ કોઈ અજાણી વ્યક્તિ તેમને ફસાવી દેવાના ઈરાદે કર્યુ હશે તેમ જણાવ્યું હતું. પોલીસે પિસ્તોલ તથા કારતુસનો કબજા મેળવી રામજીતસીંગ તથા આસપાસના અન્ય લોકોના નિવેદન લીધા હતા અને આ હથિયારો રીક્ષામાં કોણે મુકયા તે દિશામં તપાસ હાથ ધરી છે.