અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગઃ ૮ મોત
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતાં નવરંગપુરમાં આવેલી શ્રેય હાૅસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. આ દુર્ઘટનામાં ૫ પુરૂષ અને ૩ મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ ગયા છે.
(તમામ તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, અમદાવાદનાં પોશ વિસ્તાર ગણાતાં નવરંગપુરાની શ્રેય હાૅસ્પિટલમાં ગુરૂવારે વહેલી સવારે ૪.૦૦ વાગે ભીષણ આગ લાગી હતી. ખાનગી કોવિડ હાૅસ્પિટલમાં આગ લાગવાથી ૮ દર્દીઓનાં મોત નીપજ્યા છે. આઈસીયુમા દાખલ ૮ દર્દીઓનાં આગને કારણે મૃત્યુ નીપજ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ હાૅસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૩૫ દર્દીઓને અન્ય હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રાતે ૨.૩૦ કલાક આ આગ લાગવાના સમાચાર સામે આવ્યાં છે.
આ અંગેની વિગત એવી છે કે, મોડી રાતે આશરે ૩ વાગે આ ખાનગી કોવિડ હાૅસ્પિટલમાં ચોથે માળે જ્યાં આઇસીયુ છે ત્યાં ભીષણ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની ૧૫ મિનિટ બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ હાૅસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. આ ગોઝારી ઘટનામાં ૫ પુરૂષ અને ૩ મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ ગયા છે. આ ઉપરાંત એક પેરામેડિલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયો છે.
જેમને વી.એસ હાૅસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ૮ મૃતક દર્દીઓનું પંચનામુ થશે જે બાદ જ આ લોકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવશે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયર વિભાગની ૧ ફાઇટર, ૧ ટેન્કર, એક ઇમરજન્સી ટેન્કર અને હાઇડ્રોલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી.
અમદાવાદ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓને પણ આ ઘટના અંગેની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટના બાદ શ્રેય હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓના પરિવારજનો હાંફળા ફાંફળા થઈને ઘટના સ્થળે દોડી ગયા હતા. ગુરૂવારે સવારે પણ પેશન્ટોના પરિવારજનો તેમજ પોલિસ વચ્ચે ઘર્ષણ થયુ હતું. પરંતુ પોલિસનો કાફલો સવારથી જ શ્રેય હોસ્પિટલમાં તૈનાત હોવાને કારણે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.
અમદાવાદમાં કોરોનાના પેશન્ટોની સંખ્યા વધતાં જ ખાનગી હોસ્પિટલને કોવિડમાં કનવર્ટ કરવામાં આવી હતી. આ કારણે જ ૪૦ બેડની ખાનગી શ્રેય હોસ્પિટલને કોવિડમાં તબદીલ કરાયા બાદ આ હોસ્પિટલમાં માત્ર કોરોનાના પેશન્ટોને જ દાખલ કરવામાં આવ્યા હતા. ૮ પેશન્ટોના કરૂણ મૃત્યુ બાદ અન્ય પેશન્ટોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોને મદદની સહાય કરવાની જાહેરાત કરી છે. શ્રેય હોસ્પિટલને હાલમાં સીલ કરી દેવામાં આવી છે અને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું.