અમદાવાદ હાટ ખાતે એક મહિના સુધી રાજ્યભરના ખેડૂતો કરશે કાર્બાઈડ ફ્રી કેરીનું સીધું વેચાણ

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫‘નો શુભારંભ કરાવ્યો
મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, ધારાસભ્ય શ્રી અમિત ઠાકરની ઉપસ્થિતિ
શહેરીજનો કેસર કેરી મહોત્સવનો મહત્તમ લાભ લે અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાર્બાઇડ ફ્રી કેસર કેરીની મીઠાશને માણે :- કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે અમદાવાદ હાટ ખાતે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શહેરનાં મેયરશ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન તથા વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ઉદ્ઘાટન બાદ કેરીના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તથા કેરીની વિવિધ જાતો તથા કેનિંગ પ્રોડક્ટ્સ નિહાળી હતી. મંત્રીશ્રીએ સ્ટોલ ધારકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’ને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૦૭થી કેસર કેરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ દર વર્ષે ઉનાળા દરમિયાન આ કેરી મહોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના કેરી પકવતા ખેડૂતો, ખેડૂત મંડળીઓ અને નેચરલ ફાર્મિંગ FPOને સાથે લાવીને ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરીજનો કેસર કેરી મહોત્સવનો મહત્તમ લાભ લે અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાર્બાઇડ ફ્રી કેસર કેરીની મીઠાશને માણે, એવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કેસર કેરી મહોત્સવ-૨૦૨૫માં આશરે ૮૫ જેટલા સ્ટોલ્સ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આ મહોત્સવમાં તલાલા-ગીર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારી જેવા પ્રદેશોની સુપ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ કેરીઓ પકવતા ખેડૂતો અને વેચાણ કરતી સંસ્થાઓ સહભાગી બની છે. આમ, આ મહોત્સવ રસાયણમુક્ત કેરીની ખરીદીનું સ્થળ જ નહીં બની રહેતા, શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું માધ્યમ બની રહેશે.
કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરી સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર ‘કેસર કેરી મહોત્સવ’ જેવું એક માધ્યમ પૂરું પાડીને ખેડૂતોને સહાયરૂપ બની રહી છે.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમ. ડી. શ્રી વિજય ખરાડી, કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.