Western Times News

Gujarati News

હસ્તકલાનાં કારીગરોએ બનાવેલી વસ્તુઓ ખરીદવી હોય તો પહોંચી જાવ અમદાવાદ હસ્તકલા હાટ

અમદાવાદ ખાતે સહકાર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ હસ્તકલા હાટને ખુલ્લો મૂક્યો-ઉત્તર પૂર્વનાં 8 રાજ્યો સંગ ગુજરાતની કલા-કારીગરીનું પ્રદર્શન સહ-વેચાણ-‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ આધારિત હસ્તકલા હાટ ૨૪ માર્ચ સુધી ચાલશે

રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા કરાયું સમગ્ર આયોજન-ઉત્તર પૂર્વનાં રાજ્યોમાંથી આવેલ કલા-કારીગરોની મુલાકાત લઈ પ્રોત્સાહિત કરતા શ્રી જગદીશ વિશ્વકર્મા

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં રાજ્યના સહકાર તથા ગ્રામોદ્યોગમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ હસ્તકલા હાટને ખુલ્લો મૂક્યો હતો. આ હસ્તકલા હાટ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારિત તૈયાર કરાયો છે.

અહીંયા ‌‌ઉત્તર પૂર્વના 8 જેટલાં રાજ્યો તથા ગુજરાતની કલા-કારીગરીનું પ્રદર્શન સહ-વેચાણ થશે. આશરે 90 જેટલા કલા-કારીગરો દ્વારા અહીંયા પ્રદર્શન સહ-વેચાણ યોજાશે. 22 માર્ચથી 24 માર્ચ સુધી ત્રિ દિવસીય હસ્તકલા હાટનું  આયોજન કરાયું છે.

ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્તકલાનાં કારીગરોને રાજયના વિવિધ શહેરોમાં તથા ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.

રાજયના અંતરિયાળ ગામોનાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરો દ્વારા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા-વારસાની ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-નિદર્શન યોજવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ આધારિત હસ્તકલા હાટનું તા.18 માર્ચ થી 3 એપ્રિલ સુધીમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને માધવપુર મળી કુલ 4 જગ્યાએ આ પ્રદર્શન સહ-વેચાણનું આયોજન કરાયેલ છે.

જેમાં ઉત્તર પૂર્વનાં 8 રાજ્યોનાં  હાથશાળ-હસ્તકલાના કારીગરો માટે North Eastern Handicraft & Handloom Development Corporation (NEHHDC) તથા ટ્રાયફેડના સંકલનથી ક્રાફ્ટ તથા ઓર્ગેનિક ફૂડ સ્ટોલ તેમજ ગુજરાતની વિવિધ ક્રાફ્ટનું કારીગરો દ્વારા જીવંત નિદર્શન તથા વેચાણ માટે મેળા-પ્રદર્શનોનું આયોજન કરાયું છે.

આ હસ્તકલા હાટમાં ઉત્તર પૂર્વનાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળી 8 રાજયોની શીતલપટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર, બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જવેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફટની વિવિધ કલા-કારીગરીનાં ક્રાફ્ટ સ્ટોલ તથા ઓર્ગેનિક ફૂડનાં સ્ટોલમાં 90થી વધુ કારીગરો તથા સહાયક કારીગરોએ ભાગ લીધો છે.

આ સાથે ગુજરાત રાજયના 40થી વધુ સ્ટોલોમાં વિવિધ જિલ્લાના કલા-કસબીઓએ ભાગ લીધો છે. આ કલા-કારીગરો દ્વારા માટી કામ,

કચ્છી-બાંધણી, અજરખ બ્લોક પ્રિન્ટ, કચ્છી એમ્બ્રોડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા વણાટ, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી-દુપટા-શાલ વુલન-હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વિગેરે હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુનું પ્રદર્શન સહ-વેચાણ કરાશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી હર્ષદભાઈ પટેલ તથા કોર્પોરેટરશ્રી સહિતના લોકો હાજર રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.