મ્યુનિ. બોર્ડમાં હાટકેશ્વર બ્રિજ મામલે કોંગ્રેસના આકરા પ્રહારો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની વાર્ષિક સામાન્ય સભામાં હાટકેશ્વરબ્રિજ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો હાટકેશ્વરબ્રિજની ગુણવત્તા અત્યંત નબળી છે તે બાબત અનેક વખત જાહેર થઈ ગઈ છે તેમજ તેના રિપોર્ટ જુલાઈ-ર૦રરમાં આવી ગયા હોવા હતા Ahmedabad hatkeshwar bridge issue
પરંતુ વિધાનસભા ચૂંટણીના કારણે રિપોર્ટ દબાવી રાખવામાં આવ્યા હતા તેવા ગંભીર આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા જેની સામે ભાજપના સીનીયર કોર્પોરેટરે પરોક્ષ રીતે બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકાર્યું કોંગ્રેસને સમર્થન આપ્યું હતું બ્રિજના રિપોર્ટ બોર્ડમાં જાહેર કરવા કોંગ્રેસે માંગણી કરતા ભારે હોબાળા વચ્ચે સભા મુલતવી રાખવામાં આવી હતી.
મ્યુનિ. પક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે મ્યુનિ. શાસક પક્ષની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારનો ઉત્કુષ્ટ નમુનો એટલે હાટકેશ્વર બ્રિજ એમ કહેવામાં કોઈ જ વાંધો નથી મ્યુનિ. કોર્પો. દ્વારા ચાર-ચાર લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યા બાદ પણ હજી સુધી આ મુદ્દે કોઈ જ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી.
હાટકેશ્વરબ્રિજની નબળી ગુણવત્તા અંગે લગભગ ૮ મહિના પહેલા રિપોર્ટ આવી ચુકયા છે પરંતુ વિધાનસભા ચૂંટણીમાં મુદ્દો ગરમ ન થાય તે માટે રિપોર્ટ દબાવી રાખવામાં આવ્યા હતા અને નાગરિકોની જીંદગી સાથે ચેંડા કરવામાં આવ્યા હતા. હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાકટર અજય ઈન્ફા. અને પ્રોજેકટ કન્સલ્ટન્ટને બચાવવા માટે રાજકીય દબાણ આવી રહયા હોય તેમ લાગી રહયું છે.
વિપક્ષના આક્ષેપ સામે ભાજપના સીનીયર કોર્પોરેટર મહાદેવભાઈ દેસાઈએ વળતો જવાબ આપતા એમ કહયું હતું કે રિપોર્ટ બોર્ડમાં રજુ ન થાય પરંતુ તમારે રિપોર્ટ જાેવો હોય તો મારી ઓફિસમાં આવી જાવ તેમજ બ્રિજની ગુણવત્તા નબળી હોવાથી જ અમે વિજીલન્સ તપાસની માંગણી કરી છે. મહાદેવ દેસાઈના આ જવાબના કારણે શાસક પક્ષ ભીંસમાં આવી ગયો હતો
અને વિપક્ષી નેતાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી બોર્ડમાં જ રિપોર્ટ જાહેર કરવા માંગણી કરી હતી જેનો સ્વીકાર ન થતાં કોંગ્રેસના સભ્યો ડાયસ તરફ ધસી ગયા હતા અને ભારે શોરબકોર વચ્ચે મેયરે બોર્ડ મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી.
મ્યુનિ. બોર્ડ પૂર્ણ થયા બાદ મેયર કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે હાટકેશ્વર બ્રિજ અંગે કમિશ્નર બોર્ડમાં ખુલાસો કરવાના હતા પરંતુ કોંગ્રેસના સભ્યોને સાચી વાત સાંભળવામાં અને વિકાસના કામોમાં રસ નથી તેથી તેમણે ધમાલ કરી બોર્ડ મોકુફ ફરજ પાડી હતી.