Western Times News

Gujarati News

અમદાવાદના આઈકોનિક ફૂટ ઓવરબ્રીજ શું છે ખાસીયતો ?

Ahmedabad iconic foot overbridge Atal bridge

અમદાવાદ શહેરની નવી ઓળખ સમાન ‘અટલ બ્રીજ’ ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો-આઇકોનિક ફૂટ ઓવરબ્રીજ અંગે ગુજરાતીઓમાં અનેરું આકર્ષણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રીજ તથા સરદાર બ્રીજની વચ્ચે બનાવવામાં આવેલા ‘અટલ બ્રીજ’નું આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ- લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

રૂપિયા ૭૪ કરોડના ખર્ચે બનેલો ‘એન્જિનિયરિંગ અજાયબી’ સમાન આ ફુટ ઓવર બ્રીજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે. આઇકોનિક ફૂટ ઓવરબ્રીજને લઈને શહેરીજનોમાં છેલ્લા ઘણા સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે.

સાબરમતી નદીનાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલ આ આઇકોનિક ફુટ ઓવર બ્રીજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) પેડેસ્ટ્રીયન અને સાયકલિસ્ટને એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે તેમજ

અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે. અટલ બ્રિજ સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર એક્ઝીબિશન/કલ્ચર/આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે. રિવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ પર થઈને આ બ્રિજ પર જઈ શકાશે.

-: અટલ બ્રીજની લાક્ષણિકતાઓ :-

1). બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટર છે જ્યારે વચ્ચેનો સ્પાન ૧૦૦ મીટર છે.

2). બ્રીજના છેડેના ભાગે પહોળાઈ ૧૦ મીટર તેમજ બ્રીજના વચ્ચેના ભાગે પહોળાઈ ૧૪ મીટર
છે.

3). સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફુટપાથ) ઉપરથી બંને બાજુએથી  (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રીજમાં પ્રવેશ કરી શકાશે.

4). ૨૬૦૦ મે. ટન વજનનું લોખંડ પાઈપનું  સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત
આઈકોનિક બ્રીજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.

5). બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ
બનાવવામાં આવી છે.

6). વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

7). ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રીજને આગવો લૂક પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.