અમદાવાદમાં માત્ર ગરીબોના જ મકાન તૂટી રહ્યા છેઃ કોંગ્રેસ

પ્રતિકાત્મક
કોંગ્રેસના મતવિસ્તારોમાં બાંધકામ તોડવામાં આવી રહયા છે. માત્ર વોટબેંકની રાજનીતિ કરવા માટે થઈને બુલડોઝર ચલાવવામાં આવે છે
મ્યુનિ. કોર્પોરેશન માં ગેરકાયદેસર બાંધકામો તોડવામાં વ્હાલા-દવલાની નીતિ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વ્હાલા-દવલા ની નીતિ ચાલી રહી છે. પોશ વિસ્તારમાં થતા ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાન કરવામાં આવે છે જયારે ગરીબ-મધ્યમ વર્ગ ના લોકોના મકાન રાતોરાત તોડવામાં આવી રહયા છે.
મ્યુનિસિપલ અધિકારીઓ માત્ર કોંગ્રેસના મત વિસ્તારમાં જ ટી.પી.રોડ કે ગેરકાયદેસર બાંધકામ ના અમલ કરે છે જયારે ભાજપના મત વિસ્તારમાં તેઓ નોટિસ આપવાની હિંમત પણ કરતા નથી તેવા સીધા આક્ષેપો વિપક્ષ તરફથી મ્યુનિ. બોર્ડ બેઠકમાં કરવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશન ની માસિક સામાન્ય સભામાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે રજૂઆત કરતા કહ્યું હતું કે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને કોંગ્રેસ પક્ષ દ્વારા સમર્થન આપવામાં આવે છે પરંતુ ભાજપના સત્તાધીશો અને તંત્ર દ્વારા માત્ર ચોક્કસ વિસ્તારો ને જ ટાર્ગેટ કરવામાં આવી રહયા છે.
ખાસ કરીને કોંગ્રેસના મતવિસ્તારોમાં બાંધકામ તોડવામાં આવી રહયા છે. માત્ર વોટબેંકની રાજનીતિ કરવા માટે થઈને બુલડોઝર ચલાવવામાં આવે છે કોંગ્રેસના વિસ્તારમાં ટીપી રોડ ખોલવાના અને ગેરકાયદેસર બાંધકામ દેખાઈ છે પરંતુ ભાજપના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોને તોડવાના હોય ત્યારે આઈએએસ અધિકારીઓ ચુપકીદી સેવી લે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે પાંચ વર્ષ સુધી બાંધકામ થાય ત્યાં સુધી જોવા જતા નથી બાંધકામ સમયે લાંચ લઈ લેવામાં આવે છે જેનો ભોગ ગરીબ નાગરિકો બને છે. મકાન ખરીદી કરતા સમયે તેમને ખબર હોતી નથી કે મિલકત ગેરકાયદેસર છે. કોઈપણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કાયદાકીય રીતે બોર્ડ લગાવવામાં આવતા નથી. કોંગ્રેસના જ વિસ્તારોને ટાર્ગેટ કરીને જ્યારે આવી કામગીરી કરવામાં આવે છે.
શહેરના પશ્વિમ વિસ્તારમાં બોડકદેવ, થલતેજ, ગોતા, વસ્ત્રાપુરમાં ૧૩૨ ગેરકાયદે બાંધકામોને નોટિસ આપવામાં આવેલી છે. ચાંદખેડા, મોટેરા, સાબરમતી, પાલડી, વાસણા જેવા વિસ્તારોમાં ૧૦૪ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ અપાઈ છે. આ જ રીતે નરોડા, સરદારનગર સહિતના વિસ્તારોમાં પણ ૨૪૪ ગેરકાયદે બાંધકામોને નોટિસ મળેલી છે.
આ તમામ બાંધકામનું મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર આખું લીસ્ટ છે તો આ તમામ સામે કાર્યવાહી કરી અને તોડવામાં આવે. જો આવા ગેરકાયદેસર બાંધકામો સામે ન કાર્યવાહી કરવામાં આવે તો હવે હાઇકોર્ટ સુધી પણ અરજી કરવામાં આવશે તેમ કહ્યું હતું. જો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઘ્વારા ગરીબોના વિસ્તારમાં મકાનો તોડવામાં આવી રહ્યા છે પરંતુ તેઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાનો પણ આપવામાં આવતા નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.