ઇમ્પેક્ટને નબળો પ્રતિસાદ: માત્ર ૭૮૦૦ અરજી મળી, ૧૬ મંજુર
ટેક્ષની ફરિયાદોના નિકાલ માટે લોક દરબારનું આયોજન થશેઃ હિતેશભાઈ બારોટ
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ઇમ્પેક્ટ યોજનાને પ્રતિસાદ મળી રહ્યો છે ટેક્સ વિભાગમાં નાગરિકોની અરજીઓનો ભરાવો થતા લોક દરબાર કરવામાં આવશે આ ઉપરાંત શહેર ની ટ્રાફિક સમસ્યા અને દબાણો અંગે પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા થઈ હતી
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ગેર કાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં બે લાખ જેટલા ગેરકાયદેસર બાંધકામો છે
પરંતુ તેની સામે માત્ર ૭૮૦૦ જેટલી જ અરજીઓ અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી છે, જે પૈકી ૧૦૦૦ કરતા વધુ અરજીઓ પ્રોસેસમાં છે જ્યારે ૧૬ અરજીઓને મંજૂર કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં ૧૫ અરજીઓ મંજૂર થઈ છે.
શહેરમાં રોડ પર આવેલી શાકમાર્કેટો પર લારીઓના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા થાય છે. શહેરમાં રોડ પર ઉભા રહેતા શાકભાજીની લારીવાળા અને તમામ શાકમાર્કેટોને ને રોડ પરથી દૂર કરી અને તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા અંગેની ચર્ચા પણ કમિટીમાં કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ ટેક્સ વિભાગમાં નાગરિકો દ્વારા જે ફરિયાદો કરવામાં આવે છે તેના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે એક અંદાજ મુજબ હાલ ૬,૦૦૦ કરતાં વધુ ફરિયાદોનો નિકાલ બાકી છે આ ફરિયાદોનો નિકાલ થાય તો ટેક્સની આવકમાં વધારો થઈ શકે છે તેથી તમામ ઝોનમાં એક સાથે લોક દરબાર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે
જેમાં નાગરિકોની ફરિયાદો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇ.ડબ્લ્યુ.એસ મકાનોના હપ્તા ન ભરનાર સભ્યોને નોટિસ આપવામાં આવી રહી છે જે અંતર્ગત ૨૦૦ કરતાં વધુ સભ્યોએ નાણાં જમા કરાવ્યા છે જેના કારણે રૂપિયા ૧૧ કરોડ ની રિકવરી થઈ છે
તંત્ર દ્વારા આ નોટિસ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવશે . અને સભ્યો પાસેથી બાકી રકમની વધુમાં વધુ રિકવરી થાય તે બાબત પર ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારમાં ગેસ બાટલા ના ગોડાઉન હોય તો તેની સામે કાર્યવાહી કરવા, મ્યુનિસિપલ કોર્પોરેશન ની માલિકીના પ્લોટની યાદી તૈયાર કરવા તેમજ એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ પર રૂટની વિગતો સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા કરવા જવાબદાર વિભાગોને સૂચના આપવામાં આવી છે.તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.