Western Times News

Gujarati News

30 કરોડના ખર્ચે જગન્નાથ મંદિરની આસપાસનો વિસ્તાર ડેવલપ કરાશે

File Photo

( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના જગન્નાથ મંદિરની આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટે મ્યુનિસિપલ શાસક પક્ષ ઘ્‌વારા થોડા વર્ષો પહેલા બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. હવે, તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

તેમજ અહીં કોરિડોર બનાવવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારને રિ -ડેવલપ કરી જગન્નાથ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. મંદિરના મુખ્ય ગેટની બહાર આવેલી જગ્યા પર વિઝીટીંગ પ્લાઝા તૈયાર કરવામાં આવશે.

જ્યાં ત્રણ થી ચાર હજાર લોકો એક સાથે ઉભા રહી ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરી શકશે. આ અંગે હાલ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. પ્રોજેકટ માટે નડતર રૂપ મિલ્કતોને દૂર કરવા નોટિસ પણ અપાઇ છે.

અમદાવાદની જમાલપુર સ્થિત મંદિરની ભગવાન જગન્નાથની રથયાત્રાનું અલગ જ ધાર્મિક મહત્વ છે.અમદાવાદ મહાનગર પાલિકા ઘ્‌વારા જગન્નાથ મંદિરની આસપાસના વિસ્તારને ડેવલપ કરી શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળે છે. જળયાત્રા રૂટ સેકન્ડ ફૅઝ માં ડેવલપ કરવામાં આવશે. પહેલા ફેઝમાં મંદિર પરિસર બહાર આવેલા વિઝીટીંગ પ્લાઝા તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકાના હેરિટેજ વિભાગ અંતર્ગત ૩૦ કરોડના ખર્ચે રથયાત્રા રૂટની કાયા પલટ કરવામાં આવશે. ભગવાન જગન્નાથ તેમના બહેન અને ભાઇ સાથે જે રૂટ પરથી પસાર થાય છે. તે જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા થઈ એએમસી ઓફિસ સુધીના રૂટને ડેવલપ કરાશે. મંદિર પરિસર બહાર જ્યાં રથ રાખવામાં આવે છે અને જ્યાં એએમસી ગાર્ડન છે તે વિસ્તાર પર વિશાળ પ્લાઝા તૈયાર થશે.

મંદિર પરિસરની આસપાસ વિશાળ પ્લાઝા તૈયાર કરાશે. આંધ્રપ્રદેશથી ખાસ પ્રકારના પથ્થરો અને કોટા સ્ટોન સાથે પાણીના ફુવારા સહિત નવા ગાર્ડન ડેવલપ કરવાનું આયોજન કરાયુ છે. આ પ્રોજેકટ માટે રૂ.૩૦ કરોડનો ખર્ચ થશે.

ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે જ્યારે અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળે છે ત્યારે આ નગર યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો માત્ર એક ઝલક માટે તલપાપડ જોવા મળતો હોય છે. ત્યારે આ પ્રોજેકટથી આ નગર યાત્રાની સમૃદ્ધિમાં વધારો થાય તે માટે અમદાવાદ મહાનગર પાલિકાએ રથયાત્રા રૂટ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. નગર જનોની સુખાકારી વધે અને બહારથી પણ આવતા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ આકર્ષણ ઉભુ થાય તે પ્રયાસ કરાઇ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.