અમદાવાદમાં બાળલગ્નની થતાં અટકાવાયાઃ ૭ લોકોની અટકાયત

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં મોટાભાગે આદિવાસી વિસ્તારમાં બાળલગ્નના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદ જેવા મેગા સિટીમાંથી બાળલગ્નની ઘટનાની સામે આવતાં ચકચાર મચી ગઈ છે.
પોલીસને એક નનામી અરજી મળી હતી, જેમાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બાળલગ્ન થઇ રહ્યા હોવાનો ઉલ્લેખ હતો. પોલીસે નનામી અરજીના આધારે તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે કાઝી સહિત સાત લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમાલપુર વિસ્તારમાં બાળલગ્ન થઇ રહ્યા હોવાની પોલીસને નનામી અરજી મળી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરતાં ૧૪ વર્ષની સગીરના લગ્ન ૧૯ વર્ષના યુવક સાથે કરાવવામાં આવી રહ્યા હતા. સગીરાના પિતાએ તેના નાના ભાઇના પુત્ર સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાળલગ્ન મામલે યુવક અને કાઝી સહિત સાત લોકો વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે.
૩૦ એપ્રિલના રોજ નરેશભાઇએ અરજી મામલે દીકરાના પિતાને પૂછપરછ અને નિવેદન માટે બોલાવ્યા હતા. તેઓએ પોલીસ સમક્ષ પોતાનુ નિવેદન લખાવ્યું હતું કે, તેની પત્ની બીમાર છે તેમજ સમાજના રીતરીવાજ મુજબ પિતરાઇ ભાઇ-બહેન વચ્ચે લગ્ન થતા હોય છે. તેણે તેના પિતા અને નાના ભાઇ સાથે વાત કરી હતી.
બાળલગ્નને લઇને યુવકના પિતાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે મારી પત્ની બિમાર છે અને અમારા સમાજના રીત-રિવાજ મુજબ પિતરાઇ ભાઇ-બહેન વચ્ચે લગ્ન થતા હોય છે. જેથી તેણે મોટાભાઇની પુત્રી સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્્યો હતો. ત્યારબાદ જમાલપુર કાચની મસ્જિદ ખાતે નિકાહ કરવામાં આવ્યા હતા અને તેમને લગ્નનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. જેને નિકાહનામા કહેવામાં આવે છે.
પોલીસે તમામ નિવેદનો અને પુરાવા તપાસતાં જાણવા મળ્યું છે કે પરિવાર બાળ લગ્નના નિયમોનો ભંગ કર્યો છે. જેથી પોલીસે મસ્જીદના કાઝી જમાલુદ્દીન સિદ્દીકી સહિત ૭ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે. રાજ્યમાં બાળલગ્નને અટકાવવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમંથી આવી ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.