અમદાવાદ જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી
અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો સંબંધિત રજૂઆતો બાબતે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે સુગમ સંકલન થકી ત્વરિત ઉકેલ લાવવા બાબતે હકારાત્મક વિચારણા કરવામાં આવી
જિલ્લા કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુશ્રી પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે સાંસદશ્રીની અને ધારાસભ્યશ્રીઓ રજૂઆતો બાબતે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે સુગમ સંકલન થકી ત્વરિત ઉકેલ લાવવા બાબતે હકારાત્મક વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જે-તે વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી
તેમજ આ બાબતે ઉપસ્થિત અધિકારીશ્રીઓને ઝડપી કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યાં હતાં. આ બેઠક અન્વયે વિવિધ વિભાગોની યોજનાઓના અમલીકરણ તેમજ સ્વાગત સપ્તાહની ઉજવણી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉનાળાના દિવસોમાં કોઈ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીર પટેલ, અધિક નિવાસી નાયબ કલેકટર શ્રી ડૉ. વિમલ જોશી સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.