AMCએ દરેક જંકશન પર વિસ્તાર દર્શાવતા નવા સાઈન બોર્ડ લગાવ્યાં
શહેરીજનોની સુવિધા વધારવા મ્યુનિ. તંત્રની કામગીરી
અમદાવાદ, આજે ઈન્ટરનેટના જમાનામાં કોઈપણ જગ્યાએ પહોંચવું હોય તો લોકો ગૂગલ મેપનો સહારો લેતા હોય છે પરંતુ જે રાહદારીને ગૂગલ મેપનો સહારો લેવો ન હોય તે ટી સ્ટોલ, પાન પાર્લર કે પછી ક ોઈ પણ ધંધો કરતા લોકોને એડ્રેસ પૂછતા હોય છે. રાહદારીઓને રસ્તો બતાવવા માટે હજારો અમદાવાદીઓ ગૂગલ મેપની ભૂમિકા ભજવતા હોય છે.
ઘણા લોકો તો રાહદારીઓને ખોટા રસ્તે ભટકાવી દેતા હોય છે જેના કારણે તેમને હેરાન પરેશાન થવું પડતું હોય છે. હવે કોઈપણ રાહદારીને એડ્રેસ પૂછવાની નોબત નહીં આવે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક જંકશન પર વિસ્તાર દર્શાવતા સાઈન બોર્ડ લગાવ્યા છે. એરો દર્શાવતા સાઈન બોર્ડમાં વિસ્તારના નામ લખ્યા હોય છે. જેના કારણે રાહદારીને જે વિસ્તારમાં જવું હોય તે એરોના આધારે જઈ શકે છે.
રાજ્યના બીજા શહેર કરતાં અમદાવાદ કંઈક અલગ દેખાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ કામગીરી કરતું હોય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની કામગીરીના કારણે શહેરના રૂપરંગ બદલાઈ ગયા છે. શહેરને સ્વચ્છ રાખવા માટેનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું અભિયાન સતત આગળ વધી રહ્યું છે.
એએમસીની ટીમે શહેરના દરેક જંકશન પર એડ્રેસ દર્શાવતા સાઈન બોર્ડ લગાવવાનું શરૂ કરી દીધું છે. સાઈન બોર્ડના આધારે લોકો પોતાની મંઝિલ સુધી આસાનીથી પહોંચી શકશે. રસ્તો ભૂલેલા લોકોને સાઈન બોર્ડ ખૂબ ઉપયોગી સાબિત થાય તેવી શક્યતા છે. આજના જમાનામાં લોકો મોબાઈલમાં ગૂગલ મેપના આધારે પોતાની નિયત કરેલી જગ્યા પર પહોંચી જતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને ગૂગલ મેપ પર વિશ્વાસ નથી અને સ્થાનિકોને પૂછી પૂછીને જગ્યા પર પહોંચતા હોય છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓને દરેક જંકશન તેમજ વિસ્તારમાં સાઈન બોર્ડ લગાવીને ભેટ આપી છે. પહેલાં પણ સાઈન બોર્ડ લગાવેલા હતા પરંતુ તે માત્ર વિસ્તાર દર્શાવતા હતા પરંતુ હવે સાઈન બોર્ડ લગાવેલા છે તે એરોવાળા છે. જ્યાં એરો કર્યો હોય ત્યાં જવાથી નિયત કરેલી જગ્યા ઉપર પહોંચી જવાશે. આ સિવાય સરકારી કચેરીઓની બહાર પણ સાઈન બોર્ડ લગાવી દેવાયા છે.
સાઈન બોર્ડ પર સરકારના કયા વિભાગની કચેરી છે તેની વિગત પણ દર્શાવેલી છે. ઉસ્માનપુરા, વાડજ, ઈન્કમટેકસ, હેલ્મેટ સર્કલ, ગુરૂકૂળ રોડ સહિતની જગ્યાઓ પર સાઈન બોર્ડ લગાવી દેવાયા છે. હજુ પણ શહેરની વિવિધ જગ્યા પર સાઈન બોર્ડ લગાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. શહેરમાં કેટલા સાઈન બોર્ડ લગાવવાના છે તેનો આંકડો હજુ સામે આવ્યો નથી
પરંતુ તમામ વિસ્તારને આવરી લેવામાં આવશે. અમદાવાદને અદ્દભૂત બનાવવા માટે એએમસીએ હેલ્કેટ સર્કલ પાસે વર્ટિકલ ગાર્ડન પણ બનાવ્યો છે. જ્યારે મેટ્રોના પિલર પર પેઈન્ટીંગ પણ ચાલુ કર્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે કે શહેરના વિવિધ જંકશન પર વિસ્તાર દર્શાવતા સાઈન બોર્ડ લગાવી દેવાયા છે.