કાંકરિયા પરિસરમાં પીઝા-સોસમાંથી જીવાતો નીકળી
ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે બની ઘટના-મેરેજ એનિવર્સરીની ઉજવણી માટે ગયા હોવાથી પ્રસંગ ખરાબ ન થાય તે માટે તે સમયે ફરિયાદ કરી ન હતી.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. સોમવારે ખોખરા ના કોર્પોરેટરના ઓફિસ સ્ટાફ ઘ્વારા ઓનલાઈન કાંકરીયા ની પુરોહિત હોટેલમાંથી મંગાવવામાં આવેલા ફૂડમાંથી ઈયળ નીકળી હતી. જેના પગલે મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી.
જયારે ભાજપના એક પૂર્વ કોર્પોરેટર કાંકરીયા પરિસરમાં મેરેજ એનિવર્સરી ની ઉજવણી કરવા પરિવાર સાથે કાંકરિયા પરિસરમાં ગયા હતા જ્યાં ઓર્ડર કરેલા પીઝા અને ટોમેટો સોસમાંથી જીવાત નીકળી હોવાનો નવો કિસ્સો સામે આવ્યો છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષભાઈ રાણા 20 જુલાઈએ પરિવાર સાથે કાંકરિયા પરિસરમાં ગયા હતા. જ્યાં તેઓએ મનપસંદ ભાજીપાવમાં (કિડ્સ સીટી ગેટમાંથી જતા ડાબી તરફ ) નાસ્તો કરવા ગયા હતા . તેમના જણાવ્યા મુજબ ઑર્ડર કરવામા આવેલ પીઝામાંથી જીવાતો નીકળી હતી જયારે તેની સાથે આપવામા આવેલા સોસમાંથી પણ કાળી જીવાત નીકળી હતી. આ અંગે ફરિયાદ કરતા માલિક કે સ્ટાફ પર કોઈ જ અસર થઈ નહતી.
ત્યારબાદ માલિકે બિલ ન લેવા અને પાણીની બોટલ ફ્રીમાં આપવા જણાવ્યું હતું. પરંતુ તેમણે સ્વાસ્થ્યના ભોગે આવા સોદાનો સ્વીકાર કર્યો ન હતો. ત્યારબાદ અંદર જઇ તપાસ કરતા પારાવાર ગંદકી જોવા મળી હતી. આ સ્થળે સ્વચ્છતાના નામે શૂન્ય છે. તેમજ ગ્રાહકો સાથે ભાવના મામલે સીધી લૂંટ જ ચલાવવામાં આવે છે.
20 જુલાઈએ બનેલી ઘટના મામલે ફરિયાદ ન કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે મેરેજ એનિવર્સરીની ઉજવણી માટે ગયા હોવાથી પ્રસંગ ખરાબ ન થાય તે માટે તે સમયે ફરિયાદ કરી ન હતી.
આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર હોવાથી તેમની ફરિયાદના જુદા મતલબ પણ નીકળી શકે છે પરંતુ સોમવારે ખોખરા ના કોર્પોરેટરે કરેલી ફરિયાદ બાદ નાગરિકોને જાણકારી મળે અને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે આ ઘટના સાર્વજનિક કરી છે.