Western Times News

Gujarati News

અમદાવાદના કાંકરિયા લેક ખાતે સ્કેટિંગ, બોક્સિંગ અને રસ્સા ખેંચનું  ડેમોસ્ટ્રેશન યોજાયું

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરતું ચિયર ફોર ભારતકેમ્પેઈન

ઓલિમ્પિક દરમિયાન ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો અને નાગરિકોમાં રમતગમત પ્રત્યે સભાનતા કેળવવાનો સ્તુત્ય પ્રયાસ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને ગુજરાત સરકારના રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન

પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગ સ્પર્ધામાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા અને રમતગમત ક્ષેત્રે નવીન પ્રતિભાઓ તેમજ ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર દેશમાં ઓલિમ્પિક રમતો દરમિયાન ‘ચિયર ફોર ભારત’ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે.

આવા જ એક અવેરનેસ કેમ્પેઈનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા અમદાવાદના કાંકરીયા લેક ખાતે સ્કેટિંગ , બોક્સિંગ અને રસ્સાખેંચ રમતોનું  ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનમાં સ્કેટિંગ , બોક્સિંગ અને રસ્સાખેંચ સાથે સંકળાયેલા ખેલાડીઓ, કર્મીઓ અને નાગરિકોએ ઉસ્તાહપૂર્વક ભાગ લીધો હતો. સૌ ઉપસ્થિતોએ રમતોના ડેમોસ્ટ્રેશનને  રસપૂર્વક નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સ્કેટિંગ એસોસિયેશન, અમદાવાદ જિલ્લા ટગ ઓફ વોરના ઉષાબેન જાદવ સહિત બોક્સિંગ ખેલાડીઓનો વિશેષ ફાળો રહ્યો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સમર ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન વિવિધ રમતગમત પ્રવૃતિઓ અને સ્પોર્ટ્સ અવેરનેસ કેમ્પેઈન દ્વારા વધુને વધુ ખેલાડીઓ અને નાગરિકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે કામગીરી કરવા જણાવાયું છે.

આ સ્પર્ધામાં અમદાવાદ મણીનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમૂલ ભટ્ટ, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રી ડો. ચંન્દ્રકાંત ચૌહાણ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી સમીર પંચાલ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમિત ચૌધરી તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અમદાવાદના કોચ વગેરેએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને માર્ગદર્શન અને પ્રત્સાહન પૂરું પાડ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.