Western Times News

Gujarati News

જૂદા જૂદા ગામોમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલમાં લાવી ચાલી રહ્યો હતો મોતનો ખેલઃ 2 મૃત્યુઃ 7 હજુ ICU માં

સરકારી યોજનાનો ખોટો લાભ ખ્યાતિ હોસ્પિટલમાં ડૉ.પ્રશાંત વજીરાનીએ ઓપરેશન કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મોત બાદ પરિવારજનોએ તોડફોડ કરી-પરિવારની જાણ બહાર જ ૧૯ દર્દીઓની એન્જિયોગ્રાફી અને સાત દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ: સાત દર્દી હજુ આઈસીયુમાં

PMJAY યોજનામાંથી પૈસા પાસ કરાવવા જાણ બહાર 19 દર્દીઓને સ્ટેન્ટ મૂકી દેવાયા

ખ્યાતિ હોસ્પિટલને PMJAYના લિસ્ટમાં બ્લોક કરી દેવામાં આવી ભારત સરકારની આયુષ્યમાન કાર્ડની યોજનાના નામે લોકોની એન્જ્યોગ્રાફી અને એન્જ્યોપ્લાસ્ટી કરી કરોડો રૂપિયા કમાનાર ખ્યાતિ હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ(PMJAY) હોસ્પિટલના લિસ્ટમાંથી બ્લોક કરી દેવામાં આવી છે અને તેને આ યાદી માંથી સંપૂર્ણપણે દૂર કરવા માં આવશે જેથી હોસ્પિટલ હવે PMJAY હેઠળ કોઈ સારવાર નહીં કરી શકે.

ખ્યાતિ હોસ્પિટલ વિરૂદ્ધ પહેલાં પણ ગુનો નોંધાયો હતો
ખ્યાતિ હોસ્પિટલ પહેલી વખત નહીં પરંતુ બીજી વખત પણ વિવાદમાં આવી ગઈ છે. વર્ષ ર૦રરમાં ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશો વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં આ પ્રકારનું કૌભાંડ બીજી વાર સર્જાયું છે.

સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા અને દર્દીને સ્ટેન્ટ મૂકતા મોત થયા હતા. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે.

(એજન્સી)અમદાવાદ, એસજી હાઈવે પર રાજપથ કલબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે બે દર્દીના મોત થતાં બોરીસણા ગામના રહીશોએ ભારે તોડફોડ કરી હોબાળો મચાવતાં ચકચાર મચી ગઈ છે. હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ ગામના રહીશોને હોસ્પિટલમાં બોલાવીને તેમના ઓપરેશન કરી દીધા હતા જેમાં આ ઘટના સર્જાઈ છે. તોડફોડના પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદના એસજી હાઈવે પર રાજપથ કલબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે. કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી અને તેમની સારવાર કરી દેવાના કારણે બે લોકોના મૃત્યુ થયા હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.

જ્યારે નાગર સેનમા, મહેશભાઈ બારોટ નામના બે દર્દીના મૃત્યુ થયા છે અને સાત દર્દી હજુ આઈસીયુમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલની બેદરકારીના કારણે સ્વસ્થ લોકો મૃત્યુ પામ્યા હોવાના આક્ષેપના પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ ખાતે પહોંચી તોડફોડ કરી હતી.

શહેરના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે સવારે કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ ૧૯ લોકો પર એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી જ્યારે સાત દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સારવાર બાદ બે લોકોનાં મોત થયા છે.

ગ્રામજનોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એસજી હાઈવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડૉક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો જેમાં જવાબ આપવામાં ન આવતા ગ્રામજનો અને પરિવારજનો રોષે ભરાયા હતા. બે દિવસ પહેલાં અમદાવાદની એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર મેડિકલ ચેકઅપ માટે ગામમાં આવ્યા હતા.

કેમ્પ કર્યા બાદ નામ લખી લેવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારના સમયે લકઝરી બસમાં ૧૭થી ૧૮ લોકોને હોસ્પિટલ ખાતે ચેકઅપના નામે સારવાર માટે લાવ્યા હતા. જેમાંના મોટાભાગના લોકોને કોઈ તકલીફ ન હોવા છતાં પણ તેમની એન્જિયોગ્રાફી કરી નાખવામાં આવી હતી. તેમાંના કેટલાક લોકોની એન્જિયોપ્લાસ્ટી કરીને તેમને સ્ટેન્ટ પણ મૂકી દેવામાં આવ્યા હતા જેના કારણે બે લોકોના મૃત્યુ પણ થયા છે. પરિવારજનોને આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નહોતી.

હોસ્પિટલ દ્વારા સરકારી લાભ મેળવવા માટે થઈને અને પૈસા મળે તેના માટે આ સારવાર કરી દેવામાં આવી હતી. લોકોને ગેરમાર્ગે દોરવામાં આવયા છવે. ગામના સીધા લોકો છે જેથી તેઓનું કહ્યું તમારે આમાં સહી કરવાની છે અને તેઓએ સહી કરી દીધી હતી જે લોકોના મોત થયા છે તેમની તો કોઈ સહી જ લેવામાં આવી નથી જેમના મૃત્યુ થયા છે. તેઓની સ્થિતિ ગંભીર હતી તેવું કહેવામાં આવ્યું નથી

એટલું જ નહીં પરિવારમાંથી કોઈને જાણ પણ કરવામાં આવી નથી. સાતથી આઠ લોકોને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે. જેથી જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકાર અને મુખ્યપ્રધાન દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની પણ માગણી કરવામાં આવી છે.

ગામમાં હોસ્પિટલ તરફથી સ્ટાફ આવી ૮૦-૯૦ લોકોની તપાસ કરવામાં આવી હતી. બોરીસણા ગામના ૧૯ લોકોને સારવાર માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. ઓપરેશન પહેલાં હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી.

તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલાં સ્વસ્થ હતા. આ ઓપરેશનના પીએમજય યોજનામાંથી રૂ.૧.ર૮ લાખ કપાયા છે ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ ખ્યાતિ હોસ્પિટલમાં ડૉ.પ્રશાંત વજીરાનીએ ઓપરેશન કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દર્દીઓની સારવારના પેપરમાં ડૉક્ટરનું નામ ડૉ.પ્રશાંત વજીરાની છે. તેઓ અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલમાં કામ કરે છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત દર્દીઓની સારવાર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.