અમદાવાદના લલિત પટેલે વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રિપલ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો

અમદાવાદ, ૩૧ મે, ૨૦૨૫ – ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવ લઈ શકાય તેવી સિધ્ધી પ્રાપ્ત કરનાર અમદાવાદના ૫૬ વર્ષના પાવરલિફ્ટર શ્રી લલિતભાઈ પટેલે તાજેતરમાં ૧૦મે થી ૧૨મે, ૨૦૨૫ દરમ્યાન પતાયા, થાઈલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણે ઇવેન્ટ—સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ —માં સુવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે.
કુલ ૪૦૫ કિલોગ્રામનું વજન ઉઠાવતાં તેમણે માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી સમુદાયનું ગૌરવ વધાર્યું છે. તેઓ આંતરરાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર એક માત્ર ગુજરાતી બન્યા છે.
આ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે અને આંતરરાષ્ટ્રીય બોડીબિલ્ડિંગ એન્ડ ફિટનેસ ફેડરેશન (IBFF) હેઠળ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ચોક્કસ સિદ્ધીઓ કે માનાંકો મેળવવા ફરજિયાત હોય છે.
આ સિધ્ધીઓમાં સૌથી પહેલા જિલ્લા સ્તરે ચેમ્પિયન બનવું, પછી પાંચ વાર રાજ્ય ચેમ્પિયનનો ખિતાબ જીતવો અને રાષ્ટ્રીય સ્તરે ઓછામાં ઓછા ત્રણ ગોલ્ડ કે ત્રણ સિલ્વર મેડલ જીતવા જરૂરી હોય છે. શ્રી લલિતભાઈ પટેલના વર્ષો સુધીના અથાગ પ્રયત્નો થકી આ તમામ માપદંડોને પાર કર્યા છે, જેની મદદથી તેમને આજે આ ઇતિહાસ રચવા માટે સક્ષમ બનાવે છે.
વિશેષ વાત એ છે કે શ્રી પટેલે આ સિદ્ધિ શુદ્ધ શાકાહારી આહાર સાથે હાંસલ કરી છે. આ વાત તેમની દ્રઢ ઇચ્છાશક્તિ અને જીવનમૂલ્યોનું પ્રતિબિંબ છે. આ પ્રસંગે શ્રી લલિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, “વિશ્વમંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા જીવનનો સૌથી ગર્વભરી સિધ્ધી છે. મારી જીત માત્ર વ્યક્તિગત નથી, પણ એ સાબિત કરે છે કે દ્રઢ નિશ્ચય અને મૂલ્યો સાથે દરેક સિધ્ધી સંભવ છે—૫૬ વર્ષની ઉંમરે પણ.”
શ્રી પટેલના કોચ શ્રી રજનિકાંત પરમાર, જેમની માર્ગદર્શન હેઠળ આ સફળતા શક્ય બની, તેમણે ઉમેર્યું કે, “લલિતભાઈની એકાગ્રતા અને પ્રતિબદ્ધતા અદ્વિતીય છે. શાકાહારી ડાયટ હોવા છતાં વિશ્વસ્તરના ખેલાડી બનાવવી એ ઘણી અવિશ્વાસના ધોધોને ખંડન કરે છે. તેમની સતત મહેનત અને ધ્યેયનિષ્ઠા ભવિષ્યના પાવરલિફ્ટર્સ માટે પ્રેરણાસ્ત્રોત છે.”