Western Times News

Gujarati News

દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ રોશનીથી ઝગમગશે

પ૩ બ્રીજ અને ૯ સર્કલ પર ટેમ્પરરી રોશની લાઈટીંગ કરવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દિપાવલી પર્વને રોશનીના પર્વ તરીકે હર્ષોઉલ્લાસ અને સ્વચ્છતાના સંદેશ સાથે ઉજવવામાં આવશે. આ ઉપરાંત શહેરને રોશનીથી ઝગમગાટ પણ કરવામાં આવશે. તહેવારના દિવસો દરમિયાન નાગરિકોને હાલાકી ન થાય તે માટે લાઈટ, પાણી અને ડ્રેનેજને લગતી સુવિધાઓમાં કોઈ વિધ્ન તે માટે અધિકારીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ શહેરમાં લાઈટીગ ફેસ્ટિવલ અંતર્ગત ધનતેરસથી લાભ પાંચમ સુધી મહત્વના સ્થળો પર રોશનીનો ઝગમગાટ કરવામાં આવશે. સાબરમતી નદી પર આવેલા તમામ બ્રીજ તેમજ અન્ય ૪૬ ફલાય ઓવર મળી સાતેય ઝોનના કુલ પ૩ બ્રીજ પર ટેમ્પરરી લાઈટીગથી રોશની કરવામાં આવશે.

આ ઉપરાંત એરપોર્ટ સર્કલ, તલાવડી સર્કલ, ઈÂન્દરાબ્રીજ સર્કલ, દર્પણ સર્કલ, કારગીલ સર્કલ, આરટીઓ સર્કલ સહિત ૯ સર્કલ પર પણ લાઈટીગથી રોશની કરવામાં આવશે. શાહીબાગથી ડફનાળા સુધીના મુખ્ય રસ્તા પર અને ઉસ્માનપુરા અંડરપાસમાં પણ આ દિવસો દરમિયાન રોશનીનો ઝગમગાટ રહેશે. ટેમ્પરરી લાઈટીગ માટે રૂ.૭૬ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

દિપાવલીના તહેવારો દરમિયાન નાગરિકોને પાણી અને ડ્રેનેજની સમસ્યા ન થાય તે માટે જવાબદાર વિભાગને ખાસ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામતળના વિસ્તારોમાં દિવાળીના દિવસોમાં પરંપરા મુજબ ગરબા પણ થતાં હોય છે તેથી આ સ્થળોએ પેચવર્કના કામ ઝડપથી પુરા કરવા અને સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે તે માટે તંત્ર ઝડપથી કાર્ય કરશે.

તહેવારો દરમિયાન નાગરિકોને ઈમરજન્સી સારવાર મળી રહે તે માટે મ્યુનિ. હોસ્પિટલો, ૭ર અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર પેરા મેડીકલ સ્ટાફ અને દવાનો જથ્થો ઉપલબ્ધ રહેશે.

ફટાકડાથી આંખની આસપાસ નાની મોટી ઈજા થાય તો દર્દીઓને સારવાર મળી રહે તે માટે નગરી હોસ્પિટલમાં પણ સારવાર મળી રહેશે. દર વર્ષે કાળી ચૌદશના દિવસે મંદિરોની સફાઈ કરવામાં આવે છે તે મુજબ દરેક ઝોનના મોટા મંદિરો ધોવામાં આવશે તેમજ મંદિરોની આસપાસ સફાઈ પણ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.