Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં 4 લાખથી વધુ ઘરોમાં NVBDCP અંતર્ગત હાઉટ ટુ હાઉસ સર્વે હાથ ધરાયો

કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે અને મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે : અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી

વિરમગામ :  અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરીયા શાખાના સંકલનમાં રહી  40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા અમદાવાદ જીલ્લાના 464 ગામમાં 4 લાખથી વધુ ઘરોમાં એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરાયો છે.

આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં લોકોને વાહકજન્ય રોગ અટકાયતી પગલાઓ વિશે આઇ.ઇ.સી કરવામાં આવી રહી છે. સર્વે દરમ્યાન જે ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવે છે અને મચ્છરના બ્રિડિંગ મળે તો કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ  પ્રોગ્રામ (એન.વી.બી.ડી.સી.પી) અંતર્ગત કામગીરી સઘન કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં વાહનજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, ફોગીંગ, બીટીઆઇ છંટકાવ, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાય ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવી રહી છે.

ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા.

પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે તેમ અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.