Western Times News

Gujarati News

મેટ્રોના બંને રૂટ પરનાં ૧૮ સ્થળોએ ૫૪૭૧ ટુ વ્હીલર અને ૧૫૬૧ ફોર વ્હીલર પાર્કિંગ સુવિધા

ગાંધીગ્રામ, ઘીકાંટા, યુનિવર્સિટી, કાલુપુર, નિરાંત ક્રોસ રોડ, જૂની હાઈકોર્ટ, શાહપુર, સ્ટેડિયમ, થલતેજ, ઉસ્માનપુરા અને વાડજ મેટ્રો સ્ટેશન પાસે પેસેન્જર્સ વાહન પાર્ક કરી શકશે

અમદાવાદ, મેટ્રો રેલના થલતેજથી વસ્ત્રાલ અને એપીએમસીથી મોટેરા એમ બંને રૂટ પર ટ્રેન દોડતી થાય તે માટે લાખો અમદાવાદીઓ લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા છે, જાેકે તા. ૩૦ સપ્ટેમ્બરથી લોકોની પ્રતીક્ષાનો અંત આવી જશે, કેમ કે આ તારીખથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં મેટ્રો રેલના ધમધમાટ શરૂ થવાનો છે.

મેટ્રો રેલના પેસેન્જર્સને દર ૩૦ મિનિટે ટ્રેન મળશે તેમજ બંને રૂટ પર ૩૨ ટ્રેનને દોડાવાય તેવી ચર્ચા છે. મેટ્રો દોડતી થશે તેના રોમાંચથી શહેરીજનો હરખાયા છે અને અત્યારે તો મેટ્રો રેલ ટોક ઓફ ધ ટાઉન બની છે. આની સાથે મ્યુનિ. સત્તાવાળાઓએ પણ મેટ્રો સ્ટેશનથી ૫૦૦ મીટરના સર્કલમાં પે એન્ડ પાર્કની સુવિધા પેસેન્જર્સને પૂરી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

બધું સમુસૂતરું પાર પડશે તો મેટ્રો રેલના પેસેન્જર્સને બંને રૂટ પર કુલ ૧૮ સ્થળોએ ૫૪૭૧ ટુ વ્હીલર અને ૧૫૬૧ ફોર વ્હીલર મળીને કુલ ૭૦૩૨ વાહનો પાર્ક કરવાની સગવડ ઉપલબ્ધ થઈ જશે.

પૂર્વથી પશ્ચિમના વસ્ત્રાલથી થલતેજ રૂટ વચ્ચે થલતેજ ગામ દૂરદર્શન કેન્દ્ર, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર, કાંકરિયા પૂર્વ, એપરલપાર્ક, અમરાઈવાડી, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ એમ ૧૬ મેટ્રો સ્ટેશનનો લાભ પેસેન્જર્સને મળશે, જે પૈકી હાલમાં વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક વચ્ચેના સાડા છ કિલોમીટરના રૂટ પર મેટ્રો રેલ દોડી રહી છે.

આ રૂટ હવે કુલ ૨૧ કિલોમીટરની લંબાઈનો થશે. જ્યારે ઉત્તરથી દક્ષિણના એપીએમસી-વાસણાથી મોટેરા વચ્ચેના ૧૮.૮૯ના રૂટ પર પ્રથમ વખત મેટ્રો રેલ દોડવાની છે. આ રૂટ પર મોટેરા સ્ટેડિયમ, સાબરમતી, એઈસી, સાબરમતી સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયસ ક્રોસિંગ, રાજીવનગર, જીવરાજપાર્ક અને એપીએમસી-વાસણા એમ કુલ ૧૪ મેટ્રો સ્ટેશન ઊભાં કરાયાં છે. પેસેન્જર્સને જૂની હાઈકોર્ટ ઈન્કમટેક્સ પાસેથી રૂટ બદલવાની સુવિધા અપાઈ છે.

બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મેટ્રો ટ્રેનના પેસેન્જર્સ માટે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં તેજ ગતિથી હિલચાલ આરંભાઈ છે. આનાથી ગાંધીગ્રામ, ઘીકાંટા, ગુજરાત યુનિવર્સિટી, કાલુપુર, નિરાંત ક્રોસ રોડ, જૂની હાઈકોર્ટ, શાહપુર, સ્ટેડિયમ, થલતેજ, ઉસ્માનપુરા અને વાડજ મેટ્રો ટ્રેનના પેસેન્જર્સને પાતાનાં વાહન માટે પાર્કિગનો લાભ મળશે. તંત્ર દ્વારા આ તમામ મેટ્રો સ્ટેશનની આસપાસ ૫૦૦ મીટરના સર્કલમાં ૧૮ સ્થળોએે પે એન્ડ પાર્ત ઊભાં થનાર છે, જે પૈકી કેટલાંક હયાત છે તો કેટલાંક પ્રસ્તાવિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.