માત્ર 30 રૂપિયામાં થલતેજથી વસ્ત્રાલ મેટ્રોમાં મુસાફરી કરી શકાશે
મોદી ૩૦ સપ્ટેમ્બરે થલતેજ-વસ્ત્રાલ મેટ્રોને લીલી ઝંડી આપશે-હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે
(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી પર્વ પર ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન મોદી તા. ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે.
ત્યારે ૩૦મી સપ્ટેમ્બરના રોજ તેઓ અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે.
ઉપરાંત થલતેજમાં દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યંા છે. વડાપ્રધાન મોદી થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવવાના છે અને તેઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતા છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
થલતેજ-વસ્ત્રાલ રૂટની ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો ૨૧.૧૬ કિમી સુધીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ૬.૫૩ કિમીના અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ ૪ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.
થલતેજ-વસ્ત્રાલ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન, ગુરૂકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સરદાર પટેલ સ્ટેડિયમ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર સ્ટેશન, કાંકરિયા ઈસ્ટ, એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ ગામને આવરી લેવામાં આવશે.