અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલા કોર્પોરેટ કાફેના બર્ગરમાંથી જીવાત નીકળીઃ કાફે સીલ કરાયું
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટના ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે.નરોડા વિસ્તારમાં આવેલી મયુર હોટેલના ફૂડમાંથી વંદો , જોધપુર વિસ્તારમાં અથાણા માંથી ગરોળી નીકળ્યા બાદ શહેરના એસજી હાઈવે પર રાજપથ-રંગોલી રોડ પર આવેલા એક કાફેના બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યું છે.
મ્યુનિસિપલ ફૂડ વિભાગની નબળી કામગીરી ની કારણે નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે રીતસર ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે પણ આ મુદ્દે જવાબદાર અધિકારીઓ ને આડા હાથે લીધા હતા પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવત મુજબ અધિકારીઓને કોઈ જ અસર થતી નથી. સ્પાઈન હોસ્પિટલમાં નોકરી કરતા અલમાસ પઠાણ નામના યુવકે રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કેફેમાંથી ચાર આલુ બર્ગર ટીક્કી મગાવી હતી.
જેમાં એકમાંથી બહાર થોડી જીવાત જેવું જોવા મળ્યું હતું. જેથી અંદર ખોલી અને જોયું તો તેઓને જીવાત જોવા મળી હતી. જીવાત નીકળી હોવાથી તેઓ કેફે વાળા પાસે ગયા હતા અને તેઓને જીવાત નીકળેલી બતાવી હતી. તેથી કાફે ના જવાબદાર વ્યક્તિએ જણાવ્યું હતું કે આ બર્ગર ટીક્કી બનાવી છે તેને અમે કાઢી મૂકીશું અને તમારે આગળની જે કાર્યવાહી કરવી હોય તે કરો. એસજી હાઈવે પર આવેલા કોર્પોરેટ કાફેમાં આલુ બર્ગર ટીક્કીમાંથી જીવાત નીકળી હોવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ થતાં એક ટીમ તાત્કાલિક કોર્પોરેટ કાફે ખાતે ચેકિંગ માટે મોકલવામાં આવી છે. કાફેમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરી કોર્પાેરેટ કાફેને સીલ કર્યું હતું.