અમદાવાદના માતા-દિકરાએ જમીન વેચવાનો વાયદો કરી ૩.૪પ કરોડનો ચૂનો ચોપડ્યો
કડીના વડાવી- આંબલિયારાની જમીન વેચાણ આપવાનો વાયદો આપી કરોડોની છેતરપિંડીની ફરિયાદ
સંદીપ મહેન્દ્રભાઈ પટેલ તેમજ તેમના માતા રોહિણીબેન મહેન્દ્રભાઈ પટેલે પોતાની કડી તાલુકાના વડાવી ગામના સર્વે નં.૩૦૬ અને ૩૦૮માં ખેલ કર્યો
મહેસાણા, કડી તાલુકાના વડાવી તેમજ આંબલિયારા ગામની સીમમાં આવેલી જમીનો વેચાણ આપવાનો વાયદો આપી જમીનોનું લે-વેચ કરતી કંપની સાથે અંદાજે રૂ.૩.૪પ કરોડની છેતરપિંડી કરનાર અમદાવાદના પાલડીમાં રહેતા માતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવા પામી છે.
આશરે સાડા ત્રણ વર્ષ અગાઉ આચરવામાં આવેલ છેતરપિંડી કેસમાં બાવલુ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધપાત્ર છે કે, માતા-પુત્રએ અગાઉથી જ અનેક કાવતરા રચી કંપનીને ચૂનો લગાડવાનો ઈરાદો રાખ્યો હતો.
કેસની વધુ વિગત અનુસાર અમદાવાદના પાલડીમાં આવેલા જૂના ગાંધી આશ્રમની પાછળના સન બીરલ બંગ્લોઝમાં રહેતા સંદીપ મહેન્દ્રભાઈ પટેલ તેમજ તેના માતા રોહિણીબેન મહેન્દ્રભાઈ પટેલે પોતાની કડી તાલુકાના વડાવી ગામના સર્વે નં.૩૦૬ અને ૩૦૮ (એનએ) તેમજ આંબલિયારા ગામના સર્વે નં. ૭૯૦ અને ૭૯૧ વાળી જમીન અમદાવાદની સાફલ્ય ઈન્ફ્રાકોન એલએલપી નામની રિયલ એસ્ટેટની પેઢીના ભાગીદાર હરેશકુમાર મણિભાઈ પટેલને વેચાણ આપવાનો વાયદો કર્યો હતો.
આશરે સાડા ત્રણ વર્ષ અગાઉ માતા-પિતાએ ઉપરોકત જમીનો પૈકી વેચાણ નહીં કરી આપી સર્વેયરને ખોટી માહિતી આપી ખોટો નકશો બનાવી અન્ય જમીન પધરાવી રિયલ એસ્ટેટ પેઢી પાસેથી ચેક અને આરટીજીએસ મારફત રૂ.૧૧,૦ર,૪૦૦ તેમજ જમીન બીનખેતી કરવા પ્રિમિયમ ભરવા રૂ.૩૪,પ૭,૬પ૦ મળી કુલ રૂ.૩.૪પ કરોડ મેળવ્યા હતા.
નાણાં મેળવ્યા બાદ પણ વારંવારના વાયદા બાદ વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા. પાછળથી બિનખેતીવાળી જમીન વેચાણ આપી નોંધ મંજૂર થાય તે પહેલા વાંધા અરજી આપી કોર્ટમાં દાવો દાખલ કરી કાવતરૂ ઘડયું હતું.
જમીન આપવાના બહાને કરોડોની ઠગાઈ કરનાર અમદાવાદના માતા-પુત્ર વિરૂદ્ધ રિયલ એસ્ટેટ પેઢીના ભાગીદાર હરેશકુમાર પટેલે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે છેતરપીંડીનો ગુનો નોંધી આરોપી માતા-પુત્રની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.