Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે 24.73 કરોડનો બિન હિસાબી ખર્ચ કર્યો

કોરોનાને લગતા તમામ બીલોના ઓડીટ થઈ રહયા છે પરંતુ કમિશ્નરે ખર્ચ કરેલ કરોડો રૂપિયાના બીલો કમિટિ કે ઓડીટ વિભાગ સમક્ષ રજુ થયા નથી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા ઘણા વર્ષોથી સત્તાધારી પાર્ટી તેની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે અને કોઈપણ નાના મોટા કામ માટે સ્ટેન્ડીગ કમિટિ મારફતે મ્યુનિ. કમિશ્નરને સત્તા સોંપવામાં આવે છે જેમાં નાણાંકિય વ્યવહાર પણ સામેલ હોય છે. Ahmedabad Mun. 24.73 crore was unaccounted for by the commissioner

સામાન્ય નિયમ મુજબ સ્ટેન્ડીગ કમિટિ દ્વારા જે કામ માટે કમિશ્નરને સત્તા સોંપવામાં આવી હોય તે કામ પૂર્ણ થયા બાદ તેના આર્થિક વ્યવહાર સહિતનો પૂર્ણ રિપોર્ટ સ્ટેન્ડીગ કમિટિ સમક્ષ રજુ કરવો ફરજીયાત છે પરંતુ હજી સુધી એક પણ કમિશ્નરે આ પ્રકારના રિપોર્ટ રજુ કર્યાં નથી

જેના કારણે જે તે પ્રોજેકટ માટે કેટલા નાણાં ખર્ચ થાય છે તેના હિસાબ જાહેર થતા નથી. કોરોના કાળ દરમિયાન નાગરિકોની સારવારમાં વિલંબ ન થાય તે હેતુથી મ્યુનિ. સ્ટેન્ડીગ કમિટિએ દવા, સાધનો સહિત તમામ વસ્તુઓની ખરીદી માટે કમિશ્નરને સત્તા સોંપી હતી જે અંતર્ગત માત્ર એક જ ઠરાવ પરથી રૂા.રપ કરોડની અલગ અલગ ત્રણ વર્ષમાં ખરીદી થઈ છે પરંતુ તેના હિસાબ કોઈ કમિશ્નરે જાહેર કર્યાં નથી.

દેશમાં કોરોનાની શરૂઆત થતાં જ મ્યુનિ. સ્ટેન્ડીગ કમિટિએ ૧૯ માર્ચ ર૦ર૦ના દિવસે ઠરાવ નં.૧૧૭૭ દ્વારા કમિશ્નરને કોરોનાને લગતી જરૂરી વ્યવસ્થા કરવા પ્રિવેન્ટીવ મેઝર્સ સામગ્રી જેવી કે સેનેટાઈઝર બોટલ, માસ્ક તથા મેડીકલ ઈક્વિપમેન્ટ ખરીદી માટે ટેન્ડર-કોટેશન મંગાવ્યા સિવાય કે કરાર કર્યાં સિવાય સત્તા આપવામાં આવી હતી.

સદ્‌ર સત્તા બીએમસી એક્ટના ચેપ્ટર રૂલ્સ પ/ર/ર-બી મુજબ આપવામાં આવી હતી. માર્ચ ર૦ર૦માં જયારે કોરોનાની શરૂઆત થઈ હતી તથા ર૦ર૦ના સમગ્ર વર્ષ દરમિયાન ફેઝ-૧માં વધારે કેસ નોંધાયા હતા તે સમયે મ્યુનિ. કમિશ્નરે નાણાંકિય વર્ષ ર૦ર૦-ર૧માં સદ્‌ર ઠરાવ અંતર્ગત રૂા.૧૯.૪૩ કરોડના ખર્ચથી કોરોનાને લગતી દવાઓ અને સાધનોની ખરીદી કરી હતી

ત્યારબાદ ર૦ર૧-રરમાં રૂા.૩ કરોડ અને ર૦રર-ર૩માં રૂા.ર.૩પ કરોડનો ખર્ચ કોરોના માટે કરવામાં આવ્યો હતો. આમ મ્યુનિ. કમિશ્નરે એક જ ઠરાવ નં.૧૧૭૭ અંતર્ગત રૂા.ર૪.૭૯ કરોડની ખરીદી સેનેટાઈઝર્સ, માસ્ક તેમજ જરૂરી સાધનો માટે કરી હતી. કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તબીબોને કોઈ તકલીફ ન થાય

આ તમામ કારણોસર સ્ટેન્ડીગ કમિટિએ કમિશ્નરને ખર્ચ કરવાની સત્તા આપી હતી પરંતુ મ્યુનિ. સ્ટેન્ડીગ કમિટિએ જે ઉમદા હેતુથી આ સત્તા આપી હતી તેનો ક્યાંક દુરઉપયોગ થઈ રહયો હોય તેમ માનવામાં આવી રહયું છે. સામાન્ય નિયમ મુજબ કમિટિ તરફથી જે સત્તા આપવામાં આવી હોય તેના હિસાબ કમિટિ સમક્ષ રજુ કરવા જરૂરી છે

પરંતુ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કોર્પોરેશનમાં ત્રણ કમિશ્નર બદલાયા જે પૈકી એક પણ કમિશ્નરે કલમ ૭૩(ડી) મુજબ સ્ટેન્ડીગ કમિટિ સમક્ષ હિસાબો મંજુર કરાવવાની તસ્દી લીધી નથી.

અત્રે નોંધનીય બાબત એ છે કે કોરોના કાળ દરમિયાન જ જયારે આડેધડ ખર્ચા અને ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ હતી તે સમયે તત્કાલીન મેયરે મ્યુનિ. બોર્ડમાં તમામ હિસાબોની ચકાસણી કરવા જાહેરાત કરી હતી જે માટે ચાર સભ્યોની કમિટિ પણ બનાવવામાં આવી હતી

જેના રિપોર્ટ પણ હજી સુધી જાહેર થયા નથી આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીઓની સારવાર માટે જે રકમો ચુકવવામાં આવી છે તેના બીલ દુકાનો પાસે સોશીયલ ડીસ્ટન્સ માટે જે વર્તુળો કરવામાં આવ્યા હતા તેના તેમજ ઠેરઠેર લગાવવામાં આવેલ બેરીકેટના બીલ પણ ઓડિટ વિભાગ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.

પરંતુ મ્યુનિ. સ્ટેન્ડીગ કમિટિ ઠરાવ નં.૧૧૭૭ અંતર્ગત કમિશ્નરે રૂા.ર૪.૭૩ કરોડની માતબર રકમનો ખર્ચ કર્યો હોવા છતાં તેના બીલો ઓડીટ વિભાગ સમક્ષ હજી સુધી રજુ કરવામાં આવ્યા નથી તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.