અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ડીગ્રી વગરના ઈજનેર
કમિશનરે ભ્રષ્ટાચારના એક પગથિયામાં વધારો કર્યો હોવાની ચર્ચા
બી. ઈ. સિવિલ એન્જીનીયરની ડીગ્રી ધરાવનાર અધિકારીને સામાન્ય ગ્રેજયુએટ અધિકારી ટેકનીકલ જ્ઞાન આપે છે અને કામ કરવા સુચના આપે છે.
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સામાન્ય રીતે કોઈપણ નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ પાસે તે નોકરી કે વ્યવસાય મુજબની લાયકાત હોવી જરૂરી છે. પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં આવા સામાન્ય નિયમોનો પણ અમલ થતો નથી અને મ્યુનિ. કોર્પોરેશનમાં ડીગ્રી વગરના ર૦ કરતા વધુ ઈજનેર કામ કરી રહયા છે જેમની ઉપર મ્યુનિ. કમિશનરની રહેમનજર હોવાની ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય ડીગ્રી વિના પ્રેક્ટિસ કરતા તબીબો સામે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ મ્યુનિ. કોર્પોરેશનમાં જ ડીગ્રી વિના જ ફરજ બજાવતા ઈજનેરો માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે. આ ઈજનેરો પાસે બીકોમ કે માસ્ટર ગ્રેજયુએશનથી વધારે કોઈ ડીગ્રી હોય તેમ નથી. તેમ છતાં મ્યુનિ. કમિશનરે તેમને એક ડીગ્રી ધરાવતા ઈજનેર અધિકારી જેટલી જ સત્તાઓ આપી છે
એટલું જ નહીં પરંતુ માત્ર ગ્રેજયુએટ થયેલા આ અધિકારીઓ વોર્ડ કમિટીમાં અધ્યક્ષસ્થાને બિરાજે છે અને ડેપ્યુટી ઈજનેર કક્ષાના અધિકારી તેના સભ્યો હોય છે. મતલબ કે બી. ઈ. સિવિલ એન્જીનીયરની ડીગ્રી ધરાવનાર અધિકારીને સામાન્ય ગ્રેજયુએટ અધિકારી ટેકનીકલ જ્ઞાન આપે છે અને કામ કરવા સુચના આપે છે.
અહીં તમે એ બાબત સમજી ગયા હશો કે આ ઈજનેર અધિકારીઓ એટલે બીજા કોઈ નહી પરંતુ કોર્પોરેશનમાં છેલ્લા પાંચ વર્ષથી એક જ વોર્ડમાં નિમણુંક પામેલા ર૩ આસિસ્ટન્ટ કમિશનરો છે. જેમને ઈજનેર વિભાગના કામનો હવાલો સોંપી કમિશનરે કટકીના એક પગથિયાનો ઉમેરો કર્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને નવેમ્બર ર૦ર૩માં એક પરિપત્ર કરી આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરોને હદ બહારની સત્તાઓ સોંપી હતી જેમાં ભુતકાળમાં વિવાદાસ્પદ બનેલી ઈજનેર વિભાગની સત્તાઓનો પણ સમાવેશ થાય છે. આસિસ્ટન્ટ કમિશનરની જગ્યા માટે ગ્રેજયુએટની ડીગ્રી જરૂરી રહે છે તેથી તેમની પાસે કોઈપણ પ્રકારની ટેકનીકલ જ્ઞાન હોય નહી તે સ્વાભાવિક બાબત છે.
તેમ છતાં કમિશનરે વોર્ડ લેવલે ફુટપાથ, ડ્રેનેજ લાઈના બ્રેકડાઉન, મેન્ટેનન્સ, નવા જોડાણ, હોટમીક્ષ, કોલ્ડ મીક્ષ, વગેરેથી પેચવર્ક, પાણીની લાઈનના જોડાણ જેવા કામની સત્તાઓ સોંપી છે. ચોંકાવનારી બાબત એ છે કે હાલ જે મામલે ખુબ વિવાદ ચાલી રહયો છે તે ફેકટરીઓના પ્રદુષિત પાણી અંગેની સત્તા પણ આસિસ્ટન્ટ કમિશનરોને સોંપવામાં આવી છે.
જો કોઈ ફેકટરી જાહેરમાં કેમીકલ પાણી છોડતી હોય તો તેને ઈજનેર અધિકારી સીલ કરે છે પરંતુ તેને ખોલવાની સત્તા આસિસ્ટન્ટ કમિશનરને સોંપવામાં આવી છે જેમાં વોર્ડ લેવલે સોલીડ વેસ્ટ કે હેલ્થ અધિકારીનો અભિપ્રાય લખવામાં આવે છે. અહીં વધુ નોંધનીય બાબત એ છે કે આ લોકોના વાર્ષિક ખાનગી અહેવાલ પર આખરી સહી આસિસ્ટન્ટ કમિશનરની જ રહે છે તેથી આવી ફેકટરી માટે આસિસ્ટન્ટ કમિશનરના દબાણ આવી ને હેલ્થ કે સોલીડ વેસ્ટના અધિકારીઓ હકારાત્મક અભિપ્રાય આપે છે.
મ્યુનિ. આસિસ્ટન્ટ કમિશનરોને બીયુ પરમીશનની પણ સત્તા સોંપવામાં આવે છે જેમાં પણ જે પણ ટેકનીકલ બાબત છે અને તેમાં નિષ્ણાત સિવિલ એન્જીનીયરની જરૂર રહે છે. પ્લાન મુજબ બાંધકામ થયા છે કે કેમ તેની ચકાસણી નિષ્ણાંત વ્યક્તિ જ કરી શકે છે પરંતુ આસિસ્ટન્ટ અધિકારીને આ બાબતનું જ્ઞાન હોતું નથી તેમ છતાં કમિશનરે તમામ પ્રકારની ટેકનીકલ સત્તાઓ વોર્ડ કક્ષાએ આસિસ્ટન્ટ કમિશનરને સોંપી છે.
આસિસ્ટન્ટ કમિશનરોને આ સત્તા સોંપવામાં આવ્યા બાદ એવી પણ ચર્ચા થાય છે કે કમિશનરે ભ્રષ્ટાચારના એક પગથિયામાં વધારો કર્યો છે અને યોગ્ય લાયકાત વિના પ્રેકટીસ કરતા તબીબો પર કોરડો વિંઝતા મ્યુનિ. તંત્રમાં જ ડીગ્રી વિનાના ર૦ કરતા વધુ ઈજનેરો ફરજ બજાવી રહયા છે જેના માઠા પરિણામ આ ચોમાસામાં પણ જોવા મળ્યા છે.