અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં જરૂરિયાત કરતા વધુ ડેપ્યુટી કમિશ્નર
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કક્ષાના અધિકારીઓના નિમણુંકને મામલે ફરી એક વખત વિવાદ ઉભો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને હાઈકોર્ટમાં કરેલી એફીડેવીટ અને ત્યારબાદ રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ સુધારાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહયું છે અને હાલ મ્યુનિ. કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર કક્ષાના અધિકારીઓની સંખ્યા જરૂરિયાત કરતા પણ ઘણી વધી ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી એક એફિડેવીટ મુજબ કુલ ૮ ડેપ્યુટી કમિશ્નરની નિમણુંક કરવામાં આવશે જેમાં ૪+૪ ની ફોર્મ્યુલા રાખવામાં આવી હતી. મતલબ કે ૪ અધિકારી કોર્પોરેશનના અને ચાર અધિકારી રાજય સરકારના રહેશે. સદર ફોર્મ્યુલાને મંજુરી માટે સરકાર સમક્ષ રજુ કરવામાં આવતા સરકારે તેમાં મોટો સુધારો કર્યો હતો
તથા ૮+૪ ની ફોર્મ્યુલા મંજુર કરીને મોકલી હતી જેમાં ૪ અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશનના અને ૮ અધિકારી રાજય સરકારના રહેશે. રાજય સરકારે ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર કક્ષાના અધિકારીઓની સંખ્યામાં વધારો કર્યો હતો પરંતુ મ્યુનિ. કોર્પોરેશન તરફથી નિમણુંક કરવામાં આવતા અધિકારીઓની સંખ્યામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો હતો
હવે સરકાર તેનો ખોટો લાભ ઉઠાવી રહી હોય તેવુ લાગી રહયું છે તથા હાલ ૮ ને બદલે ૯ અધિકારીની નિમણુંક સરકાર દ્વારા કરવામાં આવી છે જયારે મ્યુનિ. કોર્પોરેશનના માત્ર ૩ અધિકારી ડેપ્યુટી કમિશ્નર તરીકે ફરજ નિભાવી રહયા છે. સરકાર તરફથી જે અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે તે પૈકી ૪ અધિકારી નિવૃત્ત થઈ ચુકયા છે. જેમાં એક અધિકારીને ઓએસડીનો ચાર્જ આપવામાં આવ્યો છે.
રાજય સરકાર તરફથી જે આઈએસ કે જીએએસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે તે પૈકી મોટાભાગના જુનીયર કક્ષાના અધિકારી છે જેમને ફિલ્ડ વર્કનો કોઈ મોટો અનુભવ નથી જેના કારણે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી તથા વિકાસલક્ષી કામોમાં પણ અવરોધ પેદા થઈ રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનમાં થતી ચર્ચા મુજબ જે ચાર નિવૃત અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે તે પૈકી માત્ર એકાદ બે અધિકારી જ પૂરતો સમય અને યોગ્ય રીતે કામ કરી રહયા છે.
બાકી અન્ય બે અધિકારીની નિમણુંક શેહ-શરમમાં કરવામાં આવી હોય તેમ માનવામાં આવી રહયું છે. આ ઉપરાંત એક અધિકારી કે જેઓ હજી નિવૃત્ત થયા નથી પરંતુ હંમેશા તેમની બીમારીના કારણો દર્શાવી પ્રજાકિય કામોથી દુર ભાગી રહયા છે ભુતકાળમાં તેમને ઝોન સોંપવામાં આવ્યો હતો પરંતુ તેમાં પણ આવા કારણો દર્શાવતા હાલ માત્ર તેઓ વીજીલન્સ અને સ્કુલ બોર્ડ એમ માત્ર બે વિભાગો જ સંભાળી રહયા છે
તેથી આવા અધિકારીઓને પણ સરકાર પરત બોલાવી લે તેવી માંગણી ઉઠી છે. સરકાર તરફથી મંજુર કરવામાં આવેલા કોટા કરતા વધુ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હોવાથી કોર્પોરેશનના એક અધિકારીની તક છીનવાઈ રહી છે જેના કારણે લાયકાતવાળા અધિકારીઓમાં રોષ જોવા મળી રહયો છે.