અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ‘સરદાર શતાબ્દી’ની ઉજવણી કરવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ શતાબ્દીની ઉજવણી કરવામાં આવશે આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવ મંદિરમાંથી બીલી પત્ર અને ફુલો એકત્રિત કરવા માટે અલગ વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે સરદાર વલ્લભભાઈ પટેલ બિરાજમાન થયા તેના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી ખાસ ઉજવણી કરવામાં આવશે
જેમાં તેમની કારકિર્દી સાથે સંકળાયેલા સ્થળોને સાંકળીને સરદાર પટેલ હેરીટેઝ વોકનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની તેમની કારકિર્દીને દર્શાવતુ એક કાયમી પ્રદર્શન હેરીટેઝ બિલ્ડિંગમાં થશે. સરદારનું અમદાવાદ અને અમદાવાદના સરદાર પુસ્તિકાનું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશન કરવામાં આવશે.
સરદાર સાહેબે રરર દિવસ સફાઈ અભિયાન ચલાવ્યું હતું તેવું જ અભિયાન ફરીથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના બે દિવસના સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન હસ્તગતના હોલ- પાર્ટી પ્લોટના બુકિંગ માટે લકી ડ્રો કરવામાં આવે છે
જેમાં કેટલાક લોકો દ્વારા એક કરતા વધુ નામથી ફોર્મ ભરવામાં આવી રહયા છે જેના કારણે અન્ય લોકોને તક મળતી નથી. થોડા સમય પહેલા ઔડા ગાર્ડન પ્લોટના બુકીંગ માટે પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો તેથી હવે જે વ્યક્તિનું કંકોત્રીમાં નામ હશે તેના નામથી જ ફોર્મ સ્વીકાર કરવામાં આવશે.
શહેરના મ્યુનિ. કોર્પો. હસ્તગતના ર૪ સ્મશાનોમાં જ નોંધણી માટે અલગથી કર્મચારી રાખવામાં આવ્યા છે જયારે ખાનગી સ્મશાન ગૃહમાં આવી વ્યવસ્થા કરવામાં આવી નથી તે અંગે પણ કમિટિમાં ચર્ચા થઈ હતી. પવિત્ર શ્રાવણ મહિનામાં શિવમંદિરોમાં બિલીપત્ર અને ફુલ ચડાવવામાં આવ્યા
બાદ તેનો યોગ્ય અને વ્યવસ્થિત રીતે નિકાલ થાય તે માટે દરેક ઝોન દીઠ બે ટ્રક ફાળવવામાં આવશે તેમજ એકત્રિત કરવામાં આવેલ બિલીપત્ર અને ફુલોનો લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે નિકાલ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.